Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

સંગ્રામમાં શૂરવીરોની શહાદત અને શૌર્યને શોભાવવા ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ…

  • ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે પરંતુ ભારતીય નેતૃત્વ વ્યક્તિ નઈ પરંતુ સામૂહિક શક્તિ છે જે કદીય પરાસ્ત થઈ શકે નહિ…
  • ચીન સાંભળી કે નવું ભારત મજબૂત મિત્રો દેશો તેમજ નવી ટેકનોલોજી સાથેનું એક શક્તિશાળી રાષ્ટ્ર છે જે ચીન સાથે આંખથી આંખ મિલાવીને વાત કરી શકે તમે છે…
ઈસ.વી સન ૧૯૬૨ માં હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતને દગો કરનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી એ તાજેતરના ઘટનાક્રમે સાબિત કર્યું છે. ચીન સાથેના સંબંધોમાં શાંતિની શરૂઆત નેવુંના દાયકાથી થઇ. જોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો પાયો ૧૯૮૮માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના ચીનપ્રવાસ દરમિયાન નંખાયો હતો. ૧૯૯૩માં તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ ચીનની મુલાકાતે ગયા ત્યારે ચીનના પ્રીમિયર લી પેંગ સાથે મેન્ટેનન્સ ઓફ પીસ એન્ડ ટ્રાન્ક્વિલિટી સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ સમજૂતિ વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ બહાલ રાખવા માટે થઇ હતી. એ પછી ચીની રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિન ૧૯૯૬માં ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા અંગે એક વધારે સમજૂતિ થઇ. એ વખતે ભારતના તત્કાલિન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ આ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં હતાં.
અટલ બિહારી વાજપેયીની સરકારે વર્ષ ૨૦૦૩માં સરહદી વિવાદને લઇને સ્પેશ્યલ રિપ્રેઝન્ટેટિવ લેવલનું મિકેનિઝમ તૈયાર કર્યું. એ પછી મનમોહન સિંહની સરકાર દસ વર્ષ શાસનમાં રહી ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫, ૨૦૧૨ અને ૨૦૧૩માં સરહદ વિવાદ અંગે સંવાદ આગળ વધારવા માટે ત્રણ સમજૂતિઓ થઇ. હાલના વિદેશ મંત્રી એસ. જયશંકર એ વખતે ચીનમાં ભારતના રાજદૂત હતાં. નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ ચીન સાથેના સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર થયો. ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને ૧૮ વખત મળી ચૂક્યાં છે. આ મુલાકાતોમાં વન-ટૂ-વન મીટિંગ ઉપરાંત બીજા દેશોના નેતાઓ સાથે થયેલી મુલાકાતો સામેલ છે. વડાપ્રધાન મોદી પાંચ વખત ચીનની મુલાકાતે ગયા છે. છેલ્લા ૭૦ વર્ષમાં ભારતના કોઇ પણ વડાપ્રધાનની આ સૌથી વધારે ચીનની મુલાકાતોનો આંકડો છે. ત્યારે પણ જો ચીન શાંતિથી સમજવા તૈયાર ન હોય તો ભારતે વળતો જવાબ આપવો પડશે.
ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી સરહદ છે જોકે ચીનના દાવા અનુસાર તો બંને દેશો વચ્ચે માત્ર બે હજાર કિલોમીટર લાંબી સરહદ જ છે. બંને દેશો વચ્ચેની સરહદ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પહેલો હિસ્સો છે ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, તો બીજો હિસ્સો હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં છે અને ત્રીજો હિસ્સો પૂર્વમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્લેશિયર, બરફાચ્છાદિત પ્રદેશો, પહાડો અને નદીઓ છે જેના કારણે બંને દેશોમાં એવો ભ્રમ પેદા થઇ જાય છે કે તેમની સરહદનું ઉલ્લંઘન થયું છે. સડકોના નિર્માણ, ટેન્ટ બનાવવા કે પછી અન્ય સૈન્ય ગતિવિધિના કારણે આશંકાઓ વધ્યા કરે છે.
એક રીતે તો ભારતીય સરહદમાં છાશવારે ઘૂસણખોરી કરીને ચીન ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લેતું રહે છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે. ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે.
સરહદે અતિક્રમણ કરવાની સાથે સાથે ચીન ભારત સાથે મિત્રતાભર્યા વ્યૂહાત્મક વાર્તાલાપ પણ જારી રાખે છે. એક તરફ તે ભારતને પુરાણા મિત્ર અને વ્યાવસાયિક ભાગીદાર તરીકે સંબોધે છે અને બીજી તરફ અજાણતા જ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે છે. આ જ ચીનની ખરી રણનીતિ છે. ભારત સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવીને ભારતના બજાર સુધી પહોંચ બનાવવી અને સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે. હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. સાથે સાથે ભારતના નાગરિકો અને દુનિયાને એવું દર્શાવવા માટે પણ છે કે ચીન પોતાની મનમરજીથી સરહદ પર હિલચાલ કરવા સમર્થ છે. ખરેખર તો ચીનના અટકચાળાથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી.
  • લેખક :- પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત” નવામુવાડા, લુણાવાડા, મહીસાગર
  • સંકલન :- જીગ્નેશ પટેલ, આણંદ

Related posts

કોરોના સામે જંગ જીતીને આપણે મૃત્યુ સામે તો જીતી જઇએ છીએ, પરંતુ જીવન સામે લડી શકતા નથી…

Charotar Sandesh

’તારક મહેતા’માં દિશા વાકાણીનું સ્થાન વિભૂતિ શર્મા લે તેવી અટકળો

Charotar Sandesh

૫ કલાકથી વધુ સમય મોબાઈલ વાપરતા ચેતજો…સ્થૂળતા વધવાનું જોખમ…

Charotar Sandesh