મુંબઈ : સંજય દત્ત આજે એટલે કે ૨૫ ઓગસ્ટના રોજ કેન્સરની સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલ ગયો હતો. આ પહેલા સંજય દત્ત ૧૮ ઓગસ્ટે કોકિલાબેન હોસ્પિટલ સારવાર અર્થે ગયો હતો. સંજય દત્ત ઘરેથી હોસ્પિટલ જતો હતો ત્યારે ફોટોગ્રાફર્સને જોઈ થોડો નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે તમારી પાસે બીજું કોઈ કામ નથી? સંજય દત્તની સાથે તેની પત્ની માન્યતા તથા બહેન પ્રિયા દત્ત જોવા મળ્યા હતા.
માન્યતાએ હોસ્પિટલ જતા પહેલા સોશિયલ મીડિયામાં બાળકો ઈકરા તથા શાહરાનની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને માન્યતાએ કહ્યું હતું, સમય બદલાતો રહે છે… ભગવાન… તમારી શાંતિની રક્ષા કરશે..તમારી પ્રાર્થનાનો જવાબ આપશે. સંજય દત્તે પણ ગણેશ ચતુર્થીને શુભેચ્છા આપતી પોસ્ટ શૅર કરી હતી.
માન્યતાએ ૧૮ ઓગસ્ટે એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં માન્યતાએ કહ્યું હતું કે સંજયના તમામ ચાહકો તથા શુભેચ્છકોનો હું આભાર માની શકું તેમ નથી. સંજય પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઊતારમાંથી પસાર થયો છે પરંતુ તે માત્ર ને માત્ર ચાહકોના સપોર્ટને કારણે આમાંથી બહાર આવી શક્યો છે. આથી જ અમે હંમેશાં તમારા આભારી રહીશું. અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ, તે માટે અમને તમારા પ્રેમની અપેક્ષા છે.