મુંબઈ : અજય દેવગણની ફિલ્મ ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે અને હવે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહાનો લૂક સામે આવ્યો છે. સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં સુંદરબેન જેઠા મધારપર્યાનો રોલ કરી રહી છે. તેમાં તેનો બિલકુલ ગુજરાતી લૂક જોવા મળ્યો છે. તેના ચહેરા પર અલગ જ તેજ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મનું પોસ્ટર શેર કરવાની સાથે સોનાક્ષીએ લખ્યું છે કે સુંદરબેનનો રોલ કરવાથી હું મારી જાતને સન્માનિત અનુભવી રહી છું.
તે એક એવી બહાદૂર મહિલા સમાજસેવિકા હતી જેણે ૨૯૯ મહિલાઓ સાથે મળીને ભારતીય આર્મીની મદદ કરી હતી. મહિલાઓની આ ફોજે એ સમયે ભારતીય લશ્કર માટે એક રન વે તૈયાર કરી આપ્યો હતો. આ ફિલ્મની વાર્તા ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં છે અને તે ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકામાં છે. અજય દેવગણનો લૂક અગાઉથી જ રિલીઝ કરી દેવાયો હતો. વિજય કર્ણિક ૧૯૭૧ના યુદ્ધમાં લશ્કરના ઇનચાર્જ હતા અન પાકિસ્તાનના બોંબમારા છતાં તેમની કામગીરી જારી રાખી હતી.