અમદાવાદ : અમદાવાદ પીરાણા પાસે કેમિકલ ફેકટરીમાં આગમાં ૧૨ જણાંના મુત્યુ થયા હતા. આ ઘટનાના પગલે સરકારી તંત્ર સફાળા જાગી ઉઠયું છે. અને આ ઘટનામાં સત્ય ચકાસવાથી માંડીને આવી ઘટનાનું પુનરાવર્તન ખાળી શકાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. આ ઘટનાની તપાસ પંચમાં નિમાયેલા રાજયના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ અમદાવાદ મ્યનિ. કમિશનરને પત્ર લખ્યો છે. તેની નકલ રાજયભરના મ્યુનિ. કમિશનરો તેમ જ પોલીસ કમિશનરોને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે તે જ સમયગાળામાં કોર્પોરેશન દ્રારા અલાયદી કમિટીની રચના કરીને આવી ગેરકાયદેસર ધમધમતી કેમિકલ ફેકટરીઓને શોધી કાઢવા તાકીદ કરી છે.
તે અંગેનો તપાસ અહેવાલ આગામી ૧૩મી નવેમ્બર સુધીમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા સૂચવ્યું છે. અમદાવાદ શહેરના પીરાણા પાસે ૪થી નવેમ્બરના રોજ સર્જાયેલી દુઘર્ટનાના પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા રાજયના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની આગેવાની હેઠળ બે સભ્યોની તપાસ કમિટીની રચના કરાઇ છે. જેમાં જીપીસીબીના ચેરમેનનો સમાવેશ થાય છે. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં પરવાનગી વગર ધમધમતાં આવા ગોડાઉનો-વેર હાઉસો અને એમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોય તેની તપાસ કરવા માટે બહુવિભાગીય ટીમની રચના કરવામાં આવે.
આ ટીમ દ્રારા સમગ્ર શહેરમાં સર્વે કરીને આવા ગેરકાયદેસર ફેકટરીઓને શોધી કાઢવામાં આવે. જયાં આવી ગેરકાયદે પ્રવુત્તિ ધ્યાનમાં આવે તેની સામે કાર્યવાહી કરવમાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અંગે મે જીપીસીબીના ચેરમેન તથા શહેર પોલીસ કમિશનરને પણ આ અંગે અલાયદી ટીમ બનાવવા કહ્યું છે. આ ટીમમાં જીપીસીબીના સંબંધિત ટેકનીકલ અધિકારીઓ તથા ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારીઓને સાથે રાખવામાં આવે. આ ટીમની ડી.વાય.એમ.સી. કક્ષાના અધિકારી દ્રારા મોનીટરીંગ કરવામાં આવે. રાજ્યના અન્ય કોર્પોરેશન વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ કરીને ચકાસણી કરવામાં આવે. જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.