કોંગ્રેસ સાથેની શિવસેનાની સરકાર મહારાષ્ટ્રમાં ટકશે કે ?
મોદી સરકાર વીર સાવરકરને ભારત રત્ન આપશે તો કોંગ્રેસ એનો વિરોધ કરશેઃ પૃથ્વીરાજ ચવાણ
મુંબઇ : શિવસેનાના ભ઼ડભડિયા સાંસદ સંજય રાઉતે ફરી એકવાર વિવાદ સર્જતાં કહ્યું હતું કે વીર સાવરકરના વિરોધીઓને માત્ર બે દિવસ આંદામાન જેલમાં મોકલવા જોઇએ. વીર સાવરકરે એ જેલમાં શી રીતે પોતાની યુવાની વીતાવી એનો ખ્યાલ આવશે.
‘વીર સાવરકર વિશે એલફેલ બોલનારા લોકોને માત્ર બે દિવસ આંદામાન જેલમાં મોકલો. ત્યાં બે દિવસ રહેશે તો ખ્યાલ આવશે કે વીર સાવરકરે કેવું બલિદાન આપ્યું હતું. વીર સાવરકરની દેશભક્તિ માટે અમારે કોઇના સર્ટિફિકેટની જરૂર નથી’ એમ સંજય રાઉતે કહ્યું હતું.
શિવસેના વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કોંગ્રેસના પૃથ્વીરાજ ચવાણે સાવરકરને ભારત રત્ન આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એથી રાઉત ફરી ઉશ્કેરાઇ ગયા હતા.
ચવાણે કહ્યું હતું કે સાવરકરે બ્રિટિશ સરકાર પાસે માફી માગી હતી એ ઇતિહાસને કોઇ ભૂંસી શકે એમ નથી. શક્ય છે, સાવરકરની સારી વાતો પણ હશે. પરંતુ એમની જે વાતો સારી નથી એવું કોંગ્રેસને લાગે ત્યાં કોંગ્રેસ એ વિશે બોલશે જ. નરેન્દ્ર મોદી વીર સાવરકરને ભારત રત્ન આપશે તો કોંગ્રેસ એનો જોરદાર વિરોધ કરશે.