મુંબઈ : બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર કુમાર સાનુનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કુમારે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. હાલમાં જ કુમાર સાનુ પોતાના દીકરા જાન કુમારને કારણે ચર્ચામાં છે. જાન સાનુ ’બિગ બોસ ૧૪’માં સ્પર્ધક તરીકે જોવા મળે છે. સૂત્રોના મતે, કુમાર સાનુ ૧૪ ઓક્ટોબરના રોજ લોસ એન્જલસ જવાના હતા. અહીંયા તેમની પત્ની સલોની તથા બે દીકરીઓ શેનોન તથા અન્નાબેલ છે.
હવે કુમાર સાનુ થોડાં દિવસો બાદ અમેરિકા જશે. સૂત્રોના મતે, બીએમસીએ કુમાર સાનુ જે જગ્યાએ રહે છે તે જગ્યા હાલ સીલ કરી દીધી છે. લોસ એન્જલસ સ્થિત કુમાર સાનુની પત્ની સલોનીએ કહ્યું હતું કે ઠીક થયા બાદ કુમાર સાનુ હવે આઠ નવેમ્બરે અમેરિકા આવશે. હાલમાં તેઓ ક્વૉરન્ટિન છે. તેઓ છેલ્લાં નવ મહિનાથી અમને મળવા માટે આતુર છે.’ વધુમાં સલોનીએ કહ્યું હતું, ’જો તેમની તબિયતમાં સુધારો નહીં થાય તો પૂરો પરિવાર તહેવાર મનાવવા માટે મુંબઈ આવશે.
લૉકડાઉનમાં કુમાર સાનુ ભારતમાં હતા અને તેમની પત્ની-બે દીકરીઓ અમેરિકામાં હતા. તેઓ નવ મહિનાથી પરિવારને મળવા માટે આતુર હતા. તેઓ ૨૦ ઓક્ટોબરના રોજ તેમનો જન્મદિવસ પરિવાર સાથે સેલિબ્રેટ કરવા ઉત્સુક હતા. તેઓ ડિસેમ્બરમાં પત્નીનો જન્મદિવસ સેલિબ્રેટ કરીને ભારત પરત ફરવાના હતા.