ગુજરાતમાં મહિલાઓ, બાળકીઓ અને યુવતીઓ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાતમાં દિન-પ્રતિદિન છેડતી, બળાત્કાર જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પણ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આરોપીઓ કાયદાનો ભંગ કરતા પહેલા એકવાર પણ વિચાર કરતા નથી. દિન-પ્રતિદિન પોલીસના ચોપડે નોંધાતા ગુનાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં એક શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી હતી.
એક રીપોર્ટ અનુસાર વિદ્યાર્થીની જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે વિદ્યાર્થીનીની એકલતાનો લાભ ઉઠાવીને ઉડિયા શાળાનો શિક્ષક રાકેશ શાહૂ પાણી માગવાના બહાને વિદ્યાર્થીનીના ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરના બારી-બારણા બંધ કરીને વિદ્યાર્થીનીની સાથે અડપલા કરવા લાગ્યો હતો. ઘટનાની જાણ વિદ્યાર્થીનીના માતા-પિતાને થતા તેમણે સમગ્ર ઘટના અંગે ખટોદરા પોલસ સ્ટેશનમાં શિક્ષક રાકેશ શાહૂ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી ગણતરીના કલાકોમાં શિક્ષકની ધરપકડ કરી, તેને કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવીને આરોપી શિક્ષક રાકેશ શાહૂની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીએ પોતાની 12 વર્ષ 7 મહિનાની દીકરી જ્યારે ઘરે એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઇને આરોપીએ ઘરમાં ઘૂસીને બારી-બારણા બંધ કરીને તેમની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના અંતે પોલીસે આરોપી રાકેશ શાહૂની ધરપકડ કરી છે.