અમદાવાદ : નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના વોર્ડમાં સિગરેટ પીતા અને ગેમ રમતા આરોપીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આરોપીઓ પાસે સિગરેટ અને મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા તેને લઈને સિવિલ સ્ટાફ અને પોલીસની ભૂમકિા સામે સવાલો ઉભા થયા છે. પાલિસ દ્વારા ઝડપી પાડવામાં આવાતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા પોલીસ દ્વારા કોરોનાનો રિપોર્ટ કરવામાં આવે છે. દરમિયાન જો કોઈ આરોપીના શંકાસ્પદ લક્ષણો હોય તો તેને સિવિલમાં દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવે છે.
નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીઓ માટે જૂની બિલ્ડીંગમાં શંકાસ્પદ કે કોરોનાગ્રસ્તને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન આ આરોપીઓનો વીડિયો વાઈરલ થયો છે. કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવેલા આરોપીઓ સિગરેટના કસ મારતા અને મોબાઈલ ફોનમાં ગેમ રમતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. આ આરોપીઓ પૈકી એક આરોપીને હથકડી પણ બાંધવામાં આવેલી છે. આરોપીઓ બેડ પર અને ઉભા થઈ સિગરેટના કસ મારતા નજરે પડી રહ્યા છે.
આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસ સામે સવાલો ઉભા થયા છે. ભુતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ૫૦૦-૧૦૦૦ રૂપિયામાં તમામ સુવિધાઓ મળે એ માટે હેડ કવાટર્સ હોય કે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાયદા ને બાજુએ મૂકી આરોપીઓ સાથે બેસીને આવા જલસા કરતા હોય છે. જોકે, વાઈરલ વીડિયોમાં હજી સુધી આ આરોપીઓ ક્યાં પોલીસ સ્ટેશનના છે એ જાણી શકાયું નથી. જ્યારે વીડિયો શુક્રવારની મોડી સાંજનો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.