શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો સતત આતંકીઓનો ખાતમો કરી રહ્યાં છે. કાશ્મીર ખીણમાંથી આતંકવાદનો સફાયો કરવા માટે બહાદુરીથી સુરક્ષાદળો અભિયાન ચલાવી રહ્યાં છે. આ બધા વચ્ચે સુરક્ષાદળોએ લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકવાદી સહિત ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. સૌથી મોટી વાત એ છે કે પકડાયેલા આતંકીઓમાં લશ્કરનો મુખ્ય સહયોગી વસીમ ગની પણ સામેલ છે. સુરક્ષાદળોને આ સફળતા બડગામમાં મળી છે. ઈન્ડિયન આર્મીની ૫૩-આર આર અને બડગામ પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં લશ્કરના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ રવિવારે બડગામ જિલ્લાના બીરવા વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જોઈન્ટ ઓપેરશનમાં આ કાર્યવાહીને અંજામ અપાયો. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવ્યું અને ચાર આતંકીઓને જીવતા દબોચ્યા. જેમાંથી એક લશ્કરનો ટોપ મોસ્ટ આતંકી વસીમ ગની પણ સામેલ છે.
પકડાયેલા અન્ય ૩ લોકો વિસ્તારમાં આતંકવાદીઓને આશરો ઉપલબ્ધ કરાવતા હતાં. આ સાથે જ વિસ્તારમાં દહેશત ફેલાવવામાં મદદ કરતા હતાં. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં પાકિસ્તાની આતંકીઓ કોઈ મોટી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં. આ અગાઉ પણ સુરક્ષાદળોએ ૧૬મી મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબ વિસ્તારમાં એક સુરંગની ભાળ મેળવી હતી. આ સાથે જ લશ્કર એ તૈયબાના મદદગાર ઝહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારથી પોલીસ અને આર્મીને આ લોકોના સાથીઓની તલાશ હતી.