કાશ્મીર ખીણ વિસ્તારમાં છૂપાયેલા મનાય છે…
ન્યુ દિલ્હી : શિયાળો શરૂ થતાં જ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘુસણખોરી શરૂ કરે છે. આ વખતે ભારતીય લશ્કરે કશ્મીર ખીણ વિસ્તારમાં છૂપાયેલા ૨૫૦ પાકિસ્તાની આતંકવાદીઓને ઘેરી લઇને ઊડાવી દેવાની એક યોજના તૈયાર કરી હોવાની જાણકારી મળી હતી.
શિયાળામાં લગભગ સમગ્ર કશ્મીર વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય છે અને મોટાભાગના સરકારી કામકાજ જમ્મુથી થતાં હોય છે. એવા સમયે ખીણ વિસ્તારમાં છૂપાયેલા આતંકવાદીઓનો સફાયો કરી નાખવાની યોજના ભારતીય લશ્કરે તૈયાર કરી હતી. ગુપ્તચર ખાતાને આ ૨૫૦ આતંકવાદીઓ ક્યાં ક્યાં છૂપાયા છે એની બાતમી મળી ચૂકી હતી.
સંરક્ષણ ખાતા સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી મુજબ કશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પરિસ્થિતિ ઝડપભેર થાળે પડી રહી હોવાના અણસાર મળી રહ્યા હતા. બે દિવસ પહેલાં યોજાએલી સીમા સુરક્ષા દળની ભરતીમાં હજ્જારો કશ્મીરી રી યુવકો ઊમટી પડ્યા હતા. એ દર્શાવે છે કે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઇ રહી હતી.
આ સંજોગોમાં ભારતીય લશ્કરે કશ્મીર ખીણ વિસ્તારિમાં છૂપાયેલા આતંકવાદીઓના સફાયાની એક યોજના અમલમાં મૂકવાની તૈયારી કરી હતી. આ વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ તો વેપારીઓ સંજોગો નોર્મલ થાય એ માટે વાટ જોઇ રહ્યા હતા. પાંચમી ઑગસ્ટે રાજ્યને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરાયા બાદ લગભગ બે મહિના વેપાર ધંધા બંધ જેવા હતા. હવે બજારો રાબેતા મુજબ કામ કરતાં થાય એવી વેપારીઓની ઇચ્છા છે.