પેન્ડિંગ અરજીઓ પર ચુકાદો ન આવે ત્યાં સુધી નિર્માણ ન કરવામાં આવે, વૃક્ષ પણ કાપવામાં ન આવે…
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે નવા સંસદ ભવનના નિર્માણ માટેના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે સખત વલણ અપનાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી કોઈ બાંધકામ કે તોડફોડ થવી જોઈએ નહીં. કોર્ટે સોલિસિટર જનરલને પૂછ્યું કે તમે પ્રેસ રિલીઝ આપીને નિર્માણ તારીખ નક્કી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેના પર આગળ કોઈ કામ ન થવું જોઈએ. અમને શિલાન્યાસ – ફાઉન્ડેશનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ આગળ કોઈ બાંધકામ થવું જોઈએ નહીં.
સુપ્રિમ કોર્ટની સખ્તાઈ સામે કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઈ બાંધકામ કરવામાં આવશે નહીં. કેન્દ્રએ કોર્ટમાં કહ્યું હતું કે માત્ર શિલાન્યાસ કરવામાં આવશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, નિર્માણ, તોડફોડ કે વૃક્ષો કાપીશું નહીં. શરૂઆતમાં કોર્ટે કહ્યું હતું કે અમે સ્ટે નથી આપી રહ્યા, પરંતુ તમે જે પણ કરો તે અમારા આદેશોને આધિન રહેશે. એ સારું રહેશે કે તમે આ મુદ્દા પર ધ્યાન રાખશો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કેન્દ્ર કાગળની કાર્યવાહી સાથે આગળ વધી શકે છે, પરંતુ એક વખત માળખું ઊભું થઈ ગયું તો જૂની પરિસ્થિતિને પુનર્સ્થાપિત કરવી મુશ્કેલ થઈ જશે.
૨૦ હજાર કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કેસની સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે અમે આ બાબતને સૂચિબદ્ધ કર્યું છે કારણ કે, કેટલુંક ડેવલપમેન્ટ જાહેર ક્ષેત્રમાં આવે છે. એ સાચું છે કે પ્રોજેક્ટ પર કોઈ રોક નથી. એનો મતલબ એવો નથી કે તમે દરેક વસ્તુ સાથે આગળ વધી શકો છે.
કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું, “અમે અપેક્ષા રાખતા હતા કે તમે કાગળની કાર્યવાહી વગેરે સાથે આગળ વધશો પરંતુ એટલા આક્રમક રીતે આગળ વધશો કે તમે બાંધકામ શરૂ કરી દો. કોઈ સ્ટે નથી એનો અર્થ એનથી કે તમે બાંધકામ ચાલુ કરી શકો છો. અમે કોઈ સ્પષ્ટ નિયંત્રણોનો ઓર્ડર પસાર કર્યો નથી કારણ કે અમને લાગ્યું છે કે તમે વિવેકબુદ્ધિવાળા છો અને તમે કોર્ટ પ્રત્યે ઉદાસીનતા બતાવશો નહીં.
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને પોતાની વાત રજૂ કરવા ૫ મિનિટનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યું કે પાંચ મિનિટમાં જવાબ આપો અથવા અમે આદેશ આપીશું. આ પછી સોલિસિટર જનરલે કહ્યું કે માત્ર શિલાન્યાસ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું નિર્માણ કે તોડફોડ કરવામાં આવશે નહીં. વૃક્ષો કાપશે નહીં.
૧૦ ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના વરદ હસ્તે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવામાં આવનાર છે. ૫ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ૨૦ હજાર કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પૈસાનો બગાડ નથી, પરંતુ તેનાથી પૈસાની બચત થશે. આ પ્રોજેક્ટથી વાર્ષિક આશરે એક હજાર કરોડ રૂપિયાની બચત થશે, જે હાલમાં દસ બિલ્ડિંગોમાં ચાલતા મંત્રાલયોના ભાડા પાછળ ખર્ચવામાં આવે છે. ઉપરાંત, આ પ્રોજેક્ટ સાથે મંત્રાલયો વચ્ચે સંકલન પણ સુધરશે.