-
આ કુદરતી આફત છે, કુદરત જ રોકી શકે છે : શિક્ષણમંત્રી
-
મોડી રાતે સીએમ રૂપાણીએ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ પરિસ્થિતિનું મોનિટરીંગ કર્યું
સોમનાથ,
ગુજરાતમાં એકબાજુ વાયુ વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે. જો કે ગુરુવારની સવારે ખાનગી હવામાન એજન્સીએ રાહતના સમાચાર આપતાં કહ્યું કે, વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહીં. પણ વાવાઝોડાને લઈ ગુજરાત સરકાર સચેત છે. અને વાયુ વાવાઝોડાને લઈ એલર્ટ આપ્યું છે. પણ વાવાઝોડાના એલર્ટ વચ્ચે સોમનાથ મંદિર ખુલ્લું રહેતાં અનેક સવાલો ઉભા થઈ રહયા છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
વાયુ વાવાઝોડાને પગલે સોમનાથમાં એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને જોતાં સરકાર દ્રારા એલર્ટ અપાયું છે, પણ તેમ છતાં સોમનાથ મંદિરને ખૂલ્લું રાખવામાં આવતાં દર્શનાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. જ્યારે આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું તે, આ કુદરતી આફત છે, અને કુદરત જ રોકી શકે છે, તો કુદરતને આપણે કેમ રોકીએ.
તો વાવાઝોડાને પગલે સોમનાથમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમ છતાં સોમનાથમાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સોમનાથનો દરિયો ગાંડોતૂર બન્યો છે. સમુદ્રના પાણી ત્રિવેણી સંગમમાં ફરી વળ્યા છે. સોમનાથ ચોપાટી પરનાં સ્ટોલ હવામાં ફંગોળાતાં જોવા મળ્યા છે. તો વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે ૧૦ ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે.
સીએમ રૂપાણીએ બુધવારે રાત્રે ૧૧ વાગે ખુદ વાવાઝોડા સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ આવનારી પરિસ્થિતિનું મોનિટરીંગ કર્યું હતુ. તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સતત સંપર્કમાં રહી ત્વરીત નિર્ણય લેવાય તે બાબતે પરામર્શ કર્યો હતો. અલગ અલગ વિસ્તારમાં પ્રધાનોને પણ સાગરકાંઠાના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા હતા. કાંઠા વિસ્તારના અને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવી સલામત જગ્યાઓએ ખસેડવામાં આવ્યાં હતા.