સુરત : સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો અપલોડ કરવાની લ્હાયમાં સુરતના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માતાપિતાની જાણ બહાર સ્ટંટ કરવા ગયેલો ધોરણ ૮ નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો છે. ત્યારે સુરતનો આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ ચેતી જવાની જરૂર છે કે, પોતાના સંતાનો શુ કરે છે તેના પર નજર રાખે.
સુરતના અશ્વિન વીરડિયાનો પુત્ર મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો. સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. ગઈકાલે ઘરની બાલ્કનીમાં સ્ટંટનો વીડિયો બનાવતા સમયે તેના ગળામાં ફાંસો અટક્યો હતો અને તેનું મોત નિપજ્યુ છે. તેના માતાપિતાએ તેને વીડિયો બનાવવા બાબતે અગાઉ પણ ટોક્યો હતો. પરંતુ ગત મોડી સાંજે માતા પાડોશમાં ગયા હતા. ત્યારે બાલ્કનીમાં ખીલી પર કાપડની દોરી લટકાવી હતી. પગ બારણા પર મૂક્યો હતો. બારણુ બંધ થયુ હતુ અને મીતને ગળામાં ફાંસો લાગી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરાયો હતો.