અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદીની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પની સાથે તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલેનિયા પણ અમદાવાદના મહેમાન બનશે. ત્યારે તેમના સ્વાગત અને સુરક્ષાને લઇને છેલ્લા ૧-૨ મહિનાથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ ગાંધી આશ્રમ બાદ વિશ્વના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ’નમસ્તે ટ્રમ્પ’ ના બેનરો લગાવવામાં આવી રહ્યાં છે. બેનરમાં ટ્રમ્પ તેમની પત્ની તેમજ નરેન્દ્ર મોદી પણ જોવા મળી રહ્યા છે.
રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા ૩૫૦થી વધુ હોર્ડિંગ્સ લગાવાઇ રહ્યા છે. આ હોર્ડિંગ્સની ડિઝાઈન અને ફોટા પીએમઓએ મંજૂર કર્યા છે. હોર્ડિંગ્સમાં બે પ્રતિભાશાળી વ્યકિતત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેૃતત્વ મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર..જેવા સ્લોગન જોવા મળશે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ હવે ‘કેમ છો, ટ્રમ્પ’ નહીં પરંતુ ‘નમસ્તે ટ્રમ્પ’ના નામે ઓળખાશે. અત્યાર સુધી કેમ છો, ટ્રમ્પનું નામ અપાયું હતું. પરંતુ તે એક રાજ્યનો કાર્યક્રમ ન બની રહે અને તેની ઓળખ પણ એક રાજ્ય પૂરતી સીમિત ન રહે તે માટે નમસ્તે ટ્રમ્પ રવિવારે જાહેર કરવામાં આવ્યું છે. પીએમઓની સૂચનાથી કાર્યક્રમના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેનો નવો લોગો પણ ફાઈનલ કરાયો છે. જેમાં નમસ્તે ભાજપ કેસરી રંગમાં લખવામાં આવ્યું છે. જ્યારે ટ્રમ્પનું નામ લાલ અક્ષરમાં લખવામાં આવ્યું છે.