સ્વતંત્રતા બાદ દેશની જરૃરિયાતને અનુરૃપ આર્થિક નીતિ નથી બની…
ભોપાલ : આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, જ્ઞાન અંગે દુનિયામાંથી સારા વિચારો ભારતમાં આવવા જોઈએ. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો.
એક અહેવાલ અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતને અનુરૂપ આર્થિક નીતિ બની નથી. દુનિયા અને કોવિડ-૧૯ના અનુભવોથી સ્પષ્ટ છે કે વિકાસનું એક નવું મૂલ્ય આધારિત મૉડલ આવવું જોઈએ. જેથી વિદેશોમાં જે સારૂ છે એ ભારતે અપનાવવું જોઈએ. આ માટે સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે બધી વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે.
મહત્વનું છે કે, ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાનાં બે પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ભાગવતે કહ્યું કે, આઝાદી પછી એવું માનવામાં જ ન આવ્યું કે આપણે લોકો કંઈક કરી શકીએ છીએ. સારું થયું કે હવે શરૂઆત થઈ છે. ભાગવતે કહ્યું કે, આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું છે. જો કે, આપણા લોકોનાં જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન અપાયું.