હાથરસ ગેંગરેપઃ માતા-પિતા વિરોધ કરતાં રહ્યા, યુપી પોલીસે રાતોરાત કરી દીધા અંતિમ સંસ્કાર
હાથરસ કેસઃ પીડિતાના પિતા બોલ્યા- અમને ઘરમાં બંધ કરી દીધા હતા, ખબર નહીં કોની લાશ સળગાવી
ન્યુ દિલ્હી : ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૯ વર્ષની દલિત છોકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. આ ઘટનાને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાજુ યોગી આદિત્યનાથે ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે ૩ સભ્યોવાળી એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી સમગ્ર તપાસ કરીને ૭ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. હેવાનિયતનો ભોગ બનેલી યુવતીનું મૃત્યુ થતા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એમા પણ રાતોરાત પરિવારની હાજરી વગર જ અંતિમ સંસ્કાર કરી નાખતા પોલીસ પર અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો અને તેમણે તેને ગંભીરતાથી લીધો.
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીએ હાથરસની ઘટના પર વાત કરી છે અને કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. યોગી આદિત્યનાથે ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે ૩ સભ્યોવાળી એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી સમગ્ર તપાસ કરીને ૭ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. મળતી માહિતી મુજબ આ એસઆઈટીના અધ્યક્ષ સચિવ ગૃહ ભગવાન સ્વરૂપને બનાવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદ્રપ્રકાશ અને આગ્રમાં પીએસીના સેનાનાયક પૂનમ તેના સભ્ય હશે. એસઆઈટી પીડિતાના પરિજનોને મળીને તેમના નિવેદનો લેશે અને આ સાથે જ મામલા સંબંધિત પોલીસકર્મીઓના નિવેદનો નોધી, ઘટનાનું કારણ અને કાર્યવાહીનું વિવરણ ભેગું કરીને શાસનને પોતાનો રિપોર્ટ સોંપશે.
પરિવારજનો અને ગામ લોકોનાં ભારે વિરોધ વચ્ચે હાથરસ ગેંગરેપ પીડિતાના મંગળવારે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. પીડિતાનો મૃતદેહ અડધી રાત્રે હાથરસ પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો. પણ ભારે પોલીસ બળની તહેનાતી વચ્ચે યુપી પોલીસે ગેંગરેપ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. અડધી રાત્રે જ્યારે મૃતદેહ ગામડે પહોંચ્યો તો ગામનાં લોકો અંતિમ સંસ્કાર માટે રાજી ન હતા. પણ પોલીસે ભારે વિરોધ બાદ પણ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ગ્રામજનોનાં ભારે આક્રોશને જોતાં સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પીડિતાના પિતાએ કહ્યું કે, તેઓને ઘરમાં બંધ કરી દીધા હતા. પોલીસ ડેડ બોડીને લઈ ગઈ. અમે જોયું જ નથી કે આ લાશ કોની છે. પોલીસ મૃતદેહને સ્મસાન સુધી લઈ ગઈ અને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. સાથે જ સાક્ષીઓનું કહેવું છે કે પોલીસે પરિવારજનોને અંદરથી બંધ કરી દીધા હતા અને બહાર પોલીસ ઉભી રહી ગઈ હતી. પિતાએ આરોપ લગાવ્યો કે, આ રીતે તો દેશની દીકરીઓ સુરક્ષિત નહીં રહે. તો પીડિતાના કાકાનું કહેવું છે કે, અંતિમ સંસ્કારમાં પરિવારનજનો સાથે ન હતા. જે પણ કર્યું છે તે પોલીસે કર્યું છે. તો પીડિતાના ભાઈએ કહ્યું કે, આખરે પોલીસને અંતિમ સંસ્કારની આટલી ઉતાવણ કેમ હતી. જ્યારે પીડિતાની માતાએ અગાઉ જણાવ્યું હતું કે, જ્યારે મેં મારી દીકરીને જોઈ તો તેના શરીર પર બહુ લોહી વહી રહ્યું હતું. મેં તેને પોતાનો દુપટ્ટો અને એ જ ખુનથી લથપથ કપડાં વડે તેને ઢાંકી દીધી હતી. દીકરીની જીભ પણ કાપેલી હતી.
પ્રિયંકાએ કહ્યું- મુખ્યમંત્રી રાજીનામું આપે
કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાતે ૨.૩૦ વાગ્યે પરિવારના સભ્યો આજીજી કરતા રહ્યા, પરંતુ હાથરસની પીડિતાના શરીરના તંત્રએ જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દીધા. જ્યારે તે જીવતી હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી, જ્યારે તેની પર હુમલો થયો તોપણ સરકારે એ સમયે સારવાર ન આપી. યોગી આદિત્યનાથ રાજીનામું આપે.