અમદાવાદ : કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. હાર્દિક પટેલને રાજ્ય બહાર જવાની પરવાનગી અંગે આજે ઝટકો મળ્યો છે. હાર્દિક પટેલને હાલમાં રાજ્ય બહાર જવા માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે. ત્યારે હાર્દિકે રાજ્ય બહાર કાયમી પ્રવાસ કરવા માટે પરવાનગી માંગી હતી પરંતુ આજે ગુજરાત હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હોવાના અહેવાલ છે. અગાઉ હાર્દિક પટેલ સેશન કોર્ટે અમદાવાદ ખાતે પંદર દિવસ માટે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી હતી. આજે હાઇકોર્ટમાં આ સંદર્ભમાં હાર્દિકે કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે મંજૂરી આપી નથી. પાટીદાર અનાતમત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ થયો હતો અને તેમની ધરપકડ કરી અને તેમને સુરતની લાજપોર જેલમાં મૂકી દેવામાં આવ્યા હતા.
દરમિયાન તેમને જામીન મળ્યા બાદ પહેલાં ચોક્કસ સમય માટે રાજ્યની બહાર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યની બહાર જવા માટે પરવાનગી લેવાની શરત હતી. અગાઉ પણ હાર્દિક અંગત અને રાજકીય પ્રવાસો માટે પરવાનગી માંગી બહાર ગયા હતા ત્યારે હવે તેમણે આ મુદ્દે કાયમી ધોરણે રાજ્ય બહાર જવાની પરવાનગી માંગી હતી ત્યારે કોર્ટે તેમની અરજી ફગાવી છે.
હાર્દિક પટેલ કૉંગ્રેસના વર્કિંગ પ્રમુખ છે. જોકે, તેઓ રાજ્યમાં રાજકીય મોરચે ખાસ સક્રિય નથી. અગાઉ તેમના નેતૃત્વમાં કૉંગ્રેસમાં પ્રાણ ફૂંકાય તેવી અટકળો જોવા મળી હતી પરંતુ મહાનગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો રકાસ નીકળી જતા હવે આગામી સમયમાં હાર્દિકની રાજકીય ભૂમિકા અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.