આપના ગુજરાતના પ્રભારી ગોપાલરાય રાજયમાં ફરી પક્ષનું સંગઠન બેઠુ કરવા આવી રહ્યા છે: પાસના નેતાઓ પર નજર: ભાજપ-કોંગ્રેસ બંનેમાંથી કેટલાક ચહેરાઓને અલગ તારવશે…
રાજકોટ : ગુજરાતનાં રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર આવે અને ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં મીડલ કેટેગરીના નેતાઓ પક્ષ છોડે તેવા સંકેત છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સફળતાએ ફરી એક વખત રાજયમાં આપ માટે એક નવી આશા જગાવી છે અને આ પક્ષના ગુજરાતના પ્રભારી ગોપાલરાય ગુજરાત આવી રહ્યા છે અને તેઓ રાજયમાં પક્ષનું સંગઠન મજબૂત બનાવવા માટે અહી 10થી15 દિવસ કેમ્પ કરે તેવી શકયતા પણ નકારાતી નથી અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનના ચહેરા અને હવે કોંગ્રેસમાં પાટીદાર અગ્રણી તરીકે કામ કરી રહેલા હાર્દિક પટેલ પક્ષ છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી શકયતા નકારાતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોપાલરાય પાસના નેતાઓને મળશે. હાલમાં જ ગુજરાતમાં જે રીતે એલઆરડી ભરતીના મુદે અનામત વિરોધીઓ અને અનામત તરફેણ કરનારાઓ વચ્ચે ટકકર ચાલી હતી અને રાજય સરકારે કામચલાઉ સમાધાન કર્યુ છે. પરંતુ ફરી એક વખત અનામત મુદો સપાટી પર આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી બિનઅનામત વર્ગને તેની સાથે લેવા માટે કામ કરી શકે છે. ગોપાલરાયના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી જે લોકો ઉપેક્ષિત હોય અને જેમની છબી સાફ હોય તેવાને આપમાં જોડાવા માટે આમંત્રણ આપી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોઈ ચહેરો નથી અને તેથી જો હાર્દિક પટેલ આપ સાથે જોડાય તો તે પક્ષ માટે એક બેઝ બનાવી શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પટેલ કોંગ્રેસમાં બહુ સક્રીય નજરે ચડતો નથી. હાલ તે પોતાની કાનૂની લડાઈ લડવામાં વ્યસ્ત છે. બે મહિના પહેલા હાર્દિક પટેલના જન્મદિવસની ઉજવણીમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંઘ જોડાયા હતા. જયારે કોંગ્રેસના કોઈ નેતા તેમાં સામેલ ન હતા. અરવિંદ કેજરીવાલના દિલ્હી વિજય માટે પણ હાર્દિક પટેલે અભિનંદન આપતુ ટવીટ કર્યુ હતું તે પણ સૂચક છે.