પ્રવાસી શ્રમિકો સામે નોંધવામાં આવેલા લૉકડાઉન ઉલ્લંઘનના કેસ પરત લેવામાં આવેઃ કોર્ટ
ન્યુ દિલ્હી : પ્રવાસી મજૂરના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે તમામ મજૂરોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવે અને આજથી ૧૫ દિવસની અંદર મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવે. કોર્ટે કહ્યુ કે ટ્રેનની માગના ૨૪ કલાકની અંદર કેન્દ્ર સરકાર તરફથી વધારે ટ્રેન આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કહ્યુ કે પ્રવાસી મજૂરો માટે કાઉન્સલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવે. તેમનો ડેટા એકત્ર કરવામાં આવે, જે ગામ સ્તરે અને બ્લોક સ્તરે થાય. આ સાથે જ તેમની સ્કિલની મેપિંગ કરવામાં આવે. જેનાથી રોજગાર આપવામાં મદદ મળે. જે મજૂર પાછા કામ પર પાછા આવવા ઈચ્છે છે તેમને રાજ્ય સરકાર મદદ કરે.
પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે માઈગ્રેશન દરમિયાન મજૂરો પર નોંધાયેલા લોકડાઉન ઉલ્લંઘનના કેસ પાછા લેવામાં આવે. તમામ મજૂરોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવે અને જે મજૂર ઘરે જવા ઈચ્છે છે તેમને ૧૫ દિવસની અંદર ઘરે મોકલવામાં આવે. જો રાજ્ય સરકાર વધારે ટ્રેનની માગ કરે છે તો કેન્દ્ર સરકાર ૨૪ કલાકની અંદર માગ પૂરી કરે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મજૂરોને રોજગાર આપવા માટે સ્કીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ વિશે પ્રદેશોને સુપ્રીમ કોર્ટને જાણકારી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મજૂરોને તમામ સ્કીમનો લાભ આપવામાં આવે અને સ્કીમ વિશે જણાવવામાં પણ આવે.