કુલ સંક્રમિતોની સંખ્યા ૪૨.૮ લાખે પહોંચી, ૭૨,૭૭૫ દર્દીઓએ ગુમાવ્યો જીવ…
ન્યુ દિલ્હી : દેશમાં રવિવાર અને સોમવારે એક જ દિવસમાં ૯૦ હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા ચિંતા અનેકગણી વધી ગઈ હતી. પરંતુ મંગળવારે જાહેર થયેલા આંકડામાં થોડી રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. આજે આ આંકડો ૭૫ હજારની આસપાસ પહોંચી ગયો છે. જેથી પોઝિટિવ કેસોમાં ૧૫ હજાર જેટલા કેસ ઓછા નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં ૭૫,૮૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે ૧,૧૩૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૨,૮૦,૪૨૩ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૩૩ લાખ ૨૩ હજાર ૯૫૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૮,૮૩,૬૯૭ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૨,૭૭૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. એકથી સાત સપ્ટેમ્બર સુધીમાં ૫ લાખ ૮૯ હજાર ૬૪૪ દર્દીઓ વધ્યા છે. છેલ્લા સાત દિવસથી સતત એક હજારથી વધુ મોત થઈ રહ્યાં છે. આ દરમિયાન ૭૪૬૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ૫૦૦થી વધુ લોકોનો જીવ જઈ રહ્યાં હતા પરંતુ હવે આ આંકડો બે ગણો થઈ ગયો છે.
દેશની વસ્તીના હિસાબથી મૃત્ય દર ૧.૭૦ ટકા છે. તે વિશ્વમાં સૌથી ઓછો છે. સૌથી વધુ મેક્સિકોમાં ૧૦.૭ ટકા છે. સ્પેનમાં ૫.૯ ટકા અને અમેરિકામાં ૩ ટકા છે. બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૪૨ લાખ ૭૭ હજાર ૫૮૪ થઈ છે. આ આંકડો કોવીડ૧૯ઇન્ડીયા.ઓઆરજી મુજબનો છે. સોમવારે એક દિવસમાં ૭૫ હજાર ૦૨૨ દર્દીઓ વધ્યા અને ૭૪ હજાર ૧૨૩ લોકો સ્વસ્થ પણ થઈ ગયા.