Charotar Sandesh
ઈન્ડિયા

હિન્દુસ્તાનમાં જન્મેલી દરેક વ્યક્તિ હિન્દુ છે : મોહન ભાગવત

નાગરિકતાના વિવાદ વચ્ચે આરએસએસ મેદાને, હિન્દુત્વ કાર્ડ ઉતાર્યુ…

આપણે એ એકતાને શોધી રહ્યા છીએ જેમાંથી વિવિધતા નીકળી છે, ભારતમાતાની પૂજા દરેકે કરવી જ જોઇએ,સંઘ દેશના તમામ લોકોને સ્વીકારે છે અને તેમના વિશે સારું વિચારે છે…

હૈદરાબાદ : હાલમાં જ્યારે મોદી સરકાર સામે, ધર્મના આધારે ૩ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવા માટેના સંશોધિત કાયદા, એનઆરસી અને એનપીઆરને લઇને ભારે વિરોધ થઇ રહ્યો છે, નાગરિકતાને લઇને સરકાર સામે વિરોધ પક્ષો દ્વારા શંકા-કૂશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભાજપની માતૃસંસ્થા આરએસએસના સુપ્રિમો મોહન ભાગવતે એમ કહીને વધુ એક વિવાદ સર્જ્યો છે કે આરએસએસ ભારતમાં વસતા તમામ ૧૩૦ કરોડ લોકોને હિન્દુ જ માને છે પછી ભલે તેઓ કોઇપણ ધર્મના હોય….! તેમનું આ નિવેદન વર્તમાન સંજોગોમાં રાજકિય વમળો પેદા કરે તેમ છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આરએસએસ ભારતની તમામ ૧૩૦ કરોડ પ્રજાને હિન્દુ સમાજ માને છે પછી તેઓ કોઇપણ ધર્મ અને સંસ્કૃતિના કેમ ના હોય. ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને તેના વારસાનું સન્માન કરે છે તેઓ હિંદુ છે અને આરએસએસ ૧૩૦ કરોડ લોકોને હિંદુ જ માને છે. મોહન ભાગવતે બુધવારે તેલંગાણાના આરએસએસ સભ્યો તરફથી આયોજીત ત્રણ દિવસીય વિજય સંકલ્પ શિબિરમા હાજર લોકોને સંબોધિત કરતી વખતે આ મુજબનું અવલોકન કરતું વિવાદી નિવેદન આપ્યું હતું.
તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે દેશમાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી શરૂ થવાની છે જેમાં નાગરિકનો ધર્મ-જાતિ વગેરે પૂછીને વર્ગીકરણ થવાનું છે ત્યારે તેમણે વર્ગ વિશેષને ન ગમે તેવું નિવેદન આપ્યું છે. અત્રે નોંધનીય છે કે ભારતની અંદાજે ૧૩૦ કરોડની વસ્તીમાં હિન્દુઓની સંખ્યા ૯૯ કરોડથી વધારે અને મુસ્લિમોની વસ્તી ૧૮ કરોડની આસપાસ છે.
આરએસએસના પ્રમુખ ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં રહેતા ભારત માતાના સપૂત, પછી તે કોઇપણ ભાષા બોલતા હોય, કોઇપણ ક્ષેત્રના હોય, કોઇપણ રીતે પૂજા-પાઠ કરતા હોય કે પછી પૂજામાં વિશ્વાસ ના કરતા હોય, તે એક હિંદુ જ છે…આ સંબંધે, આરએસએસના મતે ભારતના તમામ ૧૩૦ કરોડ લોકો હિંદુ સમાજના છે.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, આરએસએસ તમામ(ધર્મના) લોકોને સ્વીકારે છે, તેમના વિશે સારું વિચારે છે અને તેમને વધારે ઉચ્ચ સ્તર પર લઇ જવા માગે છે. મોહન ભાગવત વિજય સંકલ્પ શિબિરમા હાજર લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
રાજકારણીઓ અને વિદ્વાનો દ્વારા ભારત માટે આળખાતા વાક્ય વિવિધતામાં એકતાનો ઉલ્લેખ કરીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક પ્રચલિત વાક્ય છે, વિવિધતામાં એકતા. પરંતુ આપણું દેશ એક પગલું આગળ જાય છે. વિવિધતામાં એકતા નહીં, એકતા જ વિવિધતા છે.
તેમણે કવિવર રવિન્દ્રનાથ ટાગૌરના એક નિબંધને ટાંકીને જણાવ્યું હતું કે, અંગ્રેજો લોકોની એવી આશા હતી કે જેમને હિંદુ કહેવાય છે તે, બીજા લોકો જેમને મુસ્લિમ કહેવાય છે તે, તેઓ અંદરોઅંદર લડશે અને સમાપ્ત થઇ જશે. પરંતુ અંગ્રજો યાદ રાખો એવું નહીં થાય. અમે સંઘર્ષોમાંથી જ આ સમાજનો ઉકેલ શોધી લઇશું, એમ કહીને તેમણે હિન્દુ-મુસ્લિમ અંદરોઅંદર નહીં લડે એમ કહીને વિવિધતામાં એકતાનુા પોતાના નિવેદનનો જ છેદ ઉડાડી દિધો હતો.

Related posts

વેપારીઓ તો ઠીક બેન્કો પણ સિક્કા ન સ્વીકારતી હોવાની ફરિયાદો ઊઠી…

Charotar Sandesh

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડુતોને દર મહિને મળશે ૩ હજાર રૂપિયા

Charotar Sandesh

લોન મોરિટેરિયમ : સુપ્રિમમાં સુનાવણી બે સપ્તાહ ટળી, વચગાળાનો આદેશ યથાવત્‌

Charotar Sandesh