ગુજરાતના ઈતિહાસની એક સૌથી મોટી લુંટને ગણતરીની મીનીટોમાં જ અંજામ અપાયો…
ગોલ્ડ તથા હાઉસીંગ ફાઈનાન્સમાં કામ કરતી કંપની આઈઆઈએફએલની ઓફિસમાં લુંટારુઓ ત્રાટકયા: ભરચકક વિસ્તારના કોમર્સીયલ કોમ્પલેકસમાં કર્મચારીઓને બંધક બનાવી હથિયાર દેખાડી લુંટ ચલાવાઈ…
વાપી : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ઘટનામાં આજે ધોળા દિવસે વાપી શહેરના ભરચકક ગણાતા ચણદ વિસ્તારમાં ગોલ્ડ અને હાઉસીંગ ક્ષેત્રે કામ કરતી કંપની આઈઆઈએફએલ ની ઓફિસમાં બંદૂકધારીએ ત્રાટકીને રૂા.10 કરોડના સોના અને રોકડની લુંટ ચલાવી બિન્દાસ્ત રીતે ફરાર થઈ ગયા છે અને વાપી સહિતની રાજયની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. ચણોદમાં આવેલા એક કોમર્સીયલ કોમ્પલેકસમાં બીજા માળે આઈઆઈએફએલની ઓફીસ આવેલી છે જે સોનાના ધિરાણ અને હાઉસીંગ લોનનું મોટુ કામકાજ ધરાવે છે. આજે સવારે ઓફિસ ખુલ્યાના થોડી જ મીનીટોમાં બંદૂકધારીઓ અંદર ઘુસ્યા હતા અને કર્મચારીઓને બંધક બનાવીને તથા હથિયાર દેખાડીને રોકડ અને દાગીના લુંટીને ફરાર થઈ ગયા છે. પ્રાથમીક અંદાજ મુજબ રૂા.10 કરોડની આ લુંટ થઈ છે.
લુંટારુઓએ સીસીટીવીમાં પણ તેના ચહેરા ઝડપાઈ નહી તે માટે આસપાસના તમામ સીસીટીવીમાં કલર સ્પ્રે કરી લીધો હતો અને બાદમાં થોડી જ મીનીટોમાં લુંટની ઘટનાને અંજામ આપીને નાસી છુટયા હતા. કેટલા લુંટારુઓ હતા અને કયાં વાહનમાં આવ્યા હતા તથા કઈ બાજુ નાસ્યા છે તે અંગે માહિતી મેળવવા જિલ્લા પોલીસ આસપાસના સીસીટીવી ચકાસી રહી છે. આ ઉપરાંત ઓફિસની બહાર બંદૂકધારી સીકયુરીટી ગાર્ડ હોવા છતાં તેણે કેમ લુંટારુઓનો પ્રતિકાર ન કર્યો તે અંગે પણ તપાસ ચલાવાઈ રહી છે. લુંટારુઓ મહારાષ્ટ્ર બોર્ડર બાજુ નાસી છુટયા હોય તેવુ માનવામાં આવે છે તેથી મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ કરવામાં આવી છે. પોલીસની કાર્યક્ષમતા સામે પણ પ્રશ્ર્ન ઉઠાવાયો છે.