Charotar Sandesh
ઈન્ડિયા

નાગરિકતા કાયદા પર રોક લગાવવા સુપ્રિમની ‘ના’

સુપ્રિમે તમામ ૧૪૪ અરજીઓ પર સુનાવણી કરતાં કેન્દ્રને નોટિસ ફટકારી…

કેન્દ્રની વાત સાંભળ્યા વગર આદેશ નહીં, ૪ સપ્તાહમાં જવાબ આપે સરકારઃ સુપ્રીમ કોર્ટ, દેશની તમામ હાઈકોર્ટ સીએએ સંલગ્ન મામલાઓની સુનાવણી ના કરે, હાલ કોઇ આદેશ આપવામાં આવશે નહિ, મોદી સરકારને રાહત…

ન્યુ દિલ્હી : દેશમાં એક તરફ નાગરિક્તા સંશોધિત કાયદો-સીએએની સામે ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે આજે સુપ્રિમ કોર્ટમાં આ કાયદા સામે થયેલી અંદાજે ૧૪૦ કરતા વધુ રીટ અરજીઓની સુનાવણી દરમ્યાન સીજે એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્ના એમ ૩ જજોની બનેલી બેન્ચે કાયદાના અમલ પર મનાઇ હુક્મની માંગણી અંગે કહ્યું કે, આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. બંને પક્ષને સાંભળી ન લઈએ ત્યાં સુધી કાયદા પર પ્રતિબંધ ન લગાવી શકીએ. તેના પગલે કેન્દ્ર સરકારને રાહત મળી હતી. કોર્ટે સરકારને ૪ સપ્તાહમાં રીટ અરજીઓનો જવાબ આપવા આદેશ આપવાની સાથે સરકારના જવાબ બાદ સમગ્ર કેસની સુનાવણી માટે સીજેના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેંચ રચવાનો નિર્દેશ આપીને આ મુદ્દે આસામ અને ત્રિપુરા માટે પણ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. તો દેશની વિવિધ હાઇકોર્ટમાં આ કાયદા સામે કોઇ રીટ થઇ હોય તો તેના પર હાલ કોઇ સુનાવણી નહીં કરવાનો આદેશ પણ સુપ્રિમ કોર્ટે આપ્યો હતો. નોંધનીય છે કે સમગ્ર દેશની અને જેઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે તેમની નજર આજે સુપ્રિમ કોર્ટના કોઇ આદેશ પર ટિકાયેલી હતી. જો કે કોર્ટ કાયદાના અમલ સામે કોઇ મનાઇ હુક્મ આપશે એવી તેમની આશાઓ પૂર્ણ થઇ શકી નહોતી. પરિણામે આ કાયદા સામે આંદોલન હજુ પૂર્ણ થાય તેમ હાલમાં જણાતું નથી.

કેન્દ્ર સરકારે ૧૧, ડિસે-૨૦૧૯માં સંસદમાં નાગરિકતા કાયદો-૧૯૫૫માં સુધારો કરીને મુસ્લિમ રાષ્ટ્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનીને ભારત આવેલા હિન્દુ-સિખ-પારસી-ખ્રિસ્તી-જૈન અને બૌધ્ધ ધર્મી શરણાર્થીઓને ભારતનું કાયમી નાગરિકત્વનો નિર્ણય કર્યો હતો. આ કાયદાને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી છે. જો કે આ શરણાર્થીઓમાં મુસ્લિમ સમુદાયનો સમાવેશ નહીં કરાતા અને કેન્દ્રનું આ પગલુ આખા દેશમાં આસામની જેમ એનઆરસી લાગૂ કરવાનું પ્રથમ પગલુ હોવાનો દાવો કરીને તેની સામે કોંગ્રેસ સહિત અન્યો દ્વારા આંદોલન શરૂ કરાયાની સાથે મુસ્લિમ સંગઠન સહિતની ૧૪૦ જેટલી રીટ અરજીઓ એક પછી એક કરીને તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેની સુનાવણી આજે બુધવારે હાથ ધરાઇ હતી.

સુનાવણી દરમ્યાન સીજે જજ બોબડેની કોર્ટમાં સવારથી જ વકીલોની અને મિડિયાની ભારે ભીડ જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટે આ કાયદાની કોઈપણ પ્રક્રિયા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી માટે બંધારણની બેંચની રચના કરી શકાય છે. કેન્દ્ર સરકારને હવે આ મામલે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય મળી ગયો છે અને હવે પાંચમા અઠવાડિયામાં ચીફ જસ્ટિસની ખંડપીઠ આ મુદ્દે સુનાવણી કરશે.

આ મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં બુધવારે જે બન્યું તેના પર નજર નાંખીએ તો સુપ્રીમ કોર્ટે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના મુદ્દાને બંધારણની બેંચ પાસે મોકલવાનો સંકેત આપ્યો છે. હવે ચાર અઠવાડિયા પછી આ મુદ્દે સુનાવણી થશે, જેમાં બેંચની રચના કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આસામ, ઇશાન અને ઉત્તર પ્રદેશને લગતી અરજીઓ માટે એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. વકીલ સર્વશ્રી વિકાસ સિંઘ, ઇન્દિરા જયસિંહ તરફથી અદાલતમાં અપીલ કરવામાં આવી હતી કે આસામનો મુદ્દો સંપૂર્ણપણે જુદો છે, તેથી તેમની વહેલી તકે સુનાવણી થવી જોઈએ.

આસામ, પૂર્વોત્તર, યુપી સાથે સંબંધિત કેસો માટે એક અલગ બેંચની રચના કરવામાં આવશે, જે ફક્ત તેમને સંબંધિત અરજીઓની સુનાવણી કરશે. આસામને લગતી અરજીઓનો જવાબ આપવા કેન્દ્ર સરકારને ૪ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કેટલીક અરજીઓ ૧૯૮૫ ના આસામ સમજૂતિ કરારના ભંગની શરતમાં સુધારોને પડકારતી હતી, જે અસમમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા રજૂ કરવામાં આવી હતી.

કેન્દ્ર તરફથી કોર્ટને અરજ ગુજારવામાં આવી કે હવે કોઇ આ કાયદા સામેની નવી અરજીઓ પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે તે એવું ના કરી શકે. કોઈપણ નવી અરજી દાખલ કરી શકાય છે.
સંખ્યાબંધ રીટ અરજીઓ હોવાથી આ મુદ્દા પર વધુ સુનાવણી કરવાની પ્રક્રિયા શું હશે, તે અંગે કોર્ટે કહ્યું કે આ મામલાની સુનાવણી ચેમ્બર ઓફ ચીફ જસ્ટિસમાં કરવામાં આવશે. ચેમ્બરમાં યોજાનારી સુનાવણીમાં ફક્ત એક જ વકીલને કેસની તક મળશે.સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ કુલ ૧૪૧ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ સિવાય એક અરજી તેની તરફેણમાં હતી અને કેન્દ્ર સરકાર વતી અરજી કરવામાં આવી હતી.

Related posts

દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ : જૈશ-એ-મોહમ્મદના 4થી 5 આતંકવાદીઓ છૂપાયા…

Charotar Sandesh

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સીબીઆઈ ટીમને મળી મોટી ગરબડ..!

Charotar Sandesh

ગુરુવારે યોજાશે બીજા તબક્કાનું મતદાન,હેમાની સંપત્તિ ૨૫૦ કરોડથી વધારે ચૂંટણીના બીજા તબક્કામાં હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર

Charotar Sandesh