ભાજપમાં એક સાંધે ત્યા તેર તૂટે જેવી સમસ્યા, ઇનામદાર શાંત થયા ત્યાં શ્રીવાસ્તવે તલવાર કાઢી…!
– સાવલીના ધારાસભ્ય માંડ માન્યા ત્યાં વાઘોડિયાના મધુ શ્રીવાસત્વે તલવાર ઉગામીને સરકારનું નાક વાઢી નાંખ્યું…!
– મધુએ મૂછે વળ દઇને પોતાના કામની ફાઇલ પર નેગેટીવ નોંધ કરનાર ઉચ્ચ અધિકારીને જાહેરમાં લાફા મારવાની પ્રતિજ્ઞા લીધી…!
ગાંધીનગર : ગુજરાત ભાજપમાં સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામા પ્રકરણ માંડ શાંત પડ્યું અને તેમની લાગણી કે સરકારમાં તેમની વાત કોઇ સાંભળતું નથી..તેનો ઉકેસ લાવવાની ખાતરી આપ્યાના ૨૪ કલાકમાં જ ભાજપના વધુ એક સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાની ફાઇલ પર નેગેટીવ નોંધ કરનાર ઉચ્ચ અધિકારીને જાહેરમાં લાફાવાળી કરવાની ધમકી આપતાં અને મિડિયા સાથે પણ ગેરવર્તન કરતાં ભાજપની પ્રદેશ નેતાગીરી ફરી એક વાર શરમજનક હાલતમાં મૂકાઇ ગઇ અને મામલાને થાળે પાડવાનો પ્રયાસસ કર્યો હતો. જો કો ભાજપ નેતાગીરી દ્વારા મધુ શ્રીવાસત્વનાા આ વર્તને સસખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાજપના ભરૂચના પણ બે ધારાસભ્યોએ જીએનએફસી નિગમ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાનો મામલો માંડ શાંત પડ્યો અને વડોદરાના જ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય પોતાની જ સરકારની સામે મેદાનમાં આવ્યાં અને મિડિયાની સાથે ગાળાગાળી કરીને ભાજપના નામને બટ્ટો લગાવવાની સાથે જાહેરમાં મૂછે વળ દઇને મહેસૂલ ખાતાના એ અધિકારીને લાફા મારવાની ધમકી આપી કે જેમણે એમના મત વિસ્તારના એક કામની ફાઇલ પર નેગેટીવ નોંધ કરી છે…!
રાજકિય સૂત્રો કહે છે કે ભાજપમાં નબળી નેતાગીરીને કારણે સૌને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ સરકારનું નાક દબાવી રહ્યાં છે. સાવલીના ધારાસભ્યે મારા વિસ્તારના કામો મારી જ સરકારમાં થતા નથી એમ કહીને પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છતાં તેને માફ કરીને સમજાવી લેવામાં આવ્યાં. નેતાગીરી ડરી ગઇ એમ માનીને વધુ એક ધારાસભ્ય કે જેઓ તેમના જાહેર વર્તન માટે વિવાદમાં રહ્યાં છે એવા મધુ શ્રીવાસ્તવે તલવાર કાઢી અને સરકારનું નાક વાઢી નાંખીને એ અધિકારીને જાહેરમાં માર મારવાની ખુલ્લી ધમકી આપી કે જેમણે તેમનું કામ કર્યું નથી….!
સૂત્રો કહે છે કે આવું ભાજપમાં અગાઉ ક્યારેય થયું નથી. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ માટે તમામ ૩ બેઠકો જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો હોવાથી કોઇ ધારાસભ્યની સામે ગેર શિસ્ત છતાં પગલા લેવાની હિંમત નેતાગીરી બતાવવાનું ટાળી રહી છે. ખાસ કરીને મધુ શ્રીવાસ્તવે મિડિયાની સામે મૂછે વળ દઇને ઉચ્ચ અધિકારીને મારવાની ધમકી ભાજપ માટે શરમજનક બાબત છે એમ પણ ભાજપના કેટલાક વર્તુળો માની રહ્યાં છે.
ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને અન્ય એક ધારાસભ્યે સરકારી નિગમ જીએનએફસી સામે ગંભીર આરોપો લગાવ્યાં છે કે આ નિગમ સ્થાનિક લોકોને નિયમાનુસાર રોજગારી આપતું નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નીમ કોટેડ યુરિયામાં ઘાલમેલ કરીને ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડે છે. આ ધારાસભ્યો પણ પોતાની સરકારના યોગ્ય ફોરમમાં રજૂઆત કરવાને બદલે જાહેરમાં આરોપો કરીને ભાજપમાં જાણે કે કોઇ રણીધણી ના હોય તેવું એક ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.