-
ચીનથી આવેલા કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટે જનતા કરફ્યુનું શસ્ત્ર આણંદ સહિત ચરોતરમાં સાર્થક રહ્યું હતું…
-
એકલ-દોકલ વાહનોને બાદ કરતા આણંદના મુખ્ય માર્ગો લક્ષ્મી ચાર રસ્તા, સ્ટેશન રોડ, ગામડીવડ સહિત અન્ય રસ્તાઓ સુમસામ રહ્યા…
-
મુસાફરોથી ભરાયેલું રહેતું આણંદ રેલવે સ્ટેશન ઉપર એક પણ મુસાફર જોવા મળ્યો ન હતો…
આણંદ : ચીનથી આવેલા કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટે જનતા કરફ્યુનું શસ્ત્ર આણંદ-વિદ્યાનગર સહિત ચરોતરમાં સાર્થક રહ્યું હતું. સવાર પડતાંજ વાહનોના ઘોંઘાટથી શરૂ થતો દિવસ શાંતિથી શરૂ થયો હતો.
એકલ-દોકલ વાહનોને બાદ કરતા વિદ્યાનગર સહિત આણંદના મુખ્ય માર્ગો લક્ષ્મી ચાર રસ્તા, સ્ટેશન રોડ, ગામડીવડ સહિત અન્ય રસ્તાઓ સુમસામ રહ્યા હતા. એતો ઠીક મોર્નિંગ વોકરોએ પણ રજા રાખી હતી. અને ઘરમાંજ કસરત કરીને દિવસની શરૂઆત કરી હતી. આણંદ રેલવે સ્ટેશનના સ્ટેશનમાં સન્નાટો જોવા મળ્યો હતો. મુસાફરોથી ભરાયેલું રહેતું આણંદ રેલવે સ્ટેશન ઉપર એક પણ મુસાફર જોવા મળ્યો ન હતો. જનતા કરફ્યુના કારણે રેલવે સ્ટેશન ઉપરની ખાણી-પીણીના સ્ટોલો પણ બંધ રહ્યા હતા. રેલવે પ્લેટફોર્મ ઉપર માત્ર પોલીસ જવાનોજ બંદોબસ્ત કરતા નજરે પડ્યા હતા.
જોકે રવિવારે દૂધ મળશે નહિં તેવી દહેશતના પગલે લોકોએ મોડી રાત સુધી દૂધ કેન્દ્રો ઉપર લાઇનોમાં ઉભા રહીને દૂધનો સ્ટોક કરી દીધો હતો. પરિણામે રવિવારે વહેલી સવારે દૂધ કેન્દ્રો ઉપર લોકોનો ધસારો થયો ન હતો. જોકે ત્યારબાદ અફવાઓથી દુર રહેવા અને સરકાર દ્વારા અનાજ કરીયાણા, દૂધ, દવા જેવા તમામ સ્ટોર ચાલુ રાખવાનો આદેશ હોવાનું ગ્રાહકોને જણાવતા લોકો જાગૃત થયા હતા. જેની અસર આજે સવારે દેખાય હતી.
એજ રીતે કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટે વડાપ્રધાને રવિવારે જનતા કરફ્યુના કરેલા આહ્વવાનને પગલે એસ.ટી. ડેપોમાં એકપણ મુસાફર જોવા મળ્યો ન હતો. આ ઉપરાંત એસ.ટી. ડેપો સ્થિત તમામ દુકાનો, શોપિંગ સેન્ટરો પણ બંધ રહ્યા હતા.
- Jignesh Patel, Anand