વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી., વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૬ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૩ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા ક્વોરેન્ટાઈન પર રાખવામાં આવ્યા છે.
વડોદરા નજીક નેશનલ હાઈવે ઉપર આવેલી સયાજીપુરા એપીએમસી માર્કેટમાં શાકભાજીની હોલસેલ ખરીદી માટે વેપારીઓનો ધસારો જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં તંત્ર દ્વારા દરેક સોસાયટીઓ અને પોળોમાં ટ્રેક્ટર દ્વારા શાકભાજી પહોંચે તેવી વ્યવસ્થા કરી છે. જેના માટે એપીએમસી માર્કેટમાં આજે વહેલી સવારે શાકભાજીની ખરીદી કરી હતી.
વડોદરા શહેર પોલીસના પોલીસ કર્મીઓ કોરોનાનું સંક્રમણ અટકાવવા રસ્તા પર છે, ત્યારે તેમના પરિવારોને પણ સંક્રમણથી અટકાવાના પ્રયાસો શરૂ કરાયા છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી ૯ પોલીસ લાઇનમાં પણ પોલીસ વિભાગ દ્વારા જ સેનેટાઇજેશનની કામગીરી શરૂ કરાઇ છે અને હવે આ કામગીરી પૂર્ણતાના આરે છે. વડોદરાની ૯ પોલીસ લાઇનમાં અંદાજે ૩ હજાર લોકો વસવાટ કરી રહ્યા છે. પોલીસ લાઇનની સાથે સાથે વડોદરાના તમામ ૨૧ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચોમાં પણ સેનેટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. પોલીસ કર્મચારીઓને માસ્ક અને સેનેટાઇઝર અપાયા છે.