Charotar Sandesh
ગુજરાત

લોકડાઉનના કારણે ઔદ્યોગિક એકમો બંધ, વીજ વપરાશમાં ૫૦%નો ઘટાડો…

ગાંધીનગર : કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રાજ્ય સહિત આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કરવામાં આવેલા લોકડાઉનની સૌથી વધુ અસર એનર્જી સેક્ટરમાં થઈ છે તેમ કહી શકાય. લોકડાઉનના નવ દિવસમાં ઔદ્યોગિક વીજ વપરાશમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ કુલ વીજ વપરાશમાં ૫૦%નો ઘટાડો નોંધાયો છે.

રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી મળેલા સત્તાવાર આંકડા પ્રમાણે, ૧૮ માર્ચે રાજ્યમાં વીજળીની લઘુત્તમ જરૂરિયાત ૧૩,૧૨૦ મેગાવોટ હતી, જે જનતા કર્ફ્યૂના દિવસે (૨૨ માર્ચ) ઘટીને ૧૦,૩૬૧ મેગાવોટ થઈ. ૨૭ માર્ચે વીજળીની લઘુત્તમ માગમાં ભારે ઘટાડો થયો. આ દિવસે લઘુત્તમ માગ ૬,૩૮૬ મેગાવોટ થઈ. સરકાર તરફથી મળેલા આંકડા પ્રમાણે, ૧૮ માર્ચે મહત્તમ માગ ૧૬,૧૯૩ મેગાવોટ હતી જે ૨૭ માર્ચે ઘટીને ૮,૯૬૨ મેગાવોટે પહોંચી.
લોકડાઉનના કારણે મોટાભાગના ઔદ્યોગિક એકમો બંધ હોવાથી ઔદ્યોગિક વીજ વપરાશમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ૧૮ માર્ચે ઔદ્યોગિક વીજ વપરાશ ૧૨૯.૩૨ મિલિયન યુનિટ હતો જે ૨૭ માર્ચે ઘટીને ૩૦.૨૭૧ મિલિયન યુનિટ થયો. અધિકૃત આંકડા પ્રમાણે, જ્યોતિગ્રામ યોજના અંતર્ગત પણ વીજ વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. આ યોજના હેઠળ થતો વીજ વપરાશ ૧૮થી ૨૭ માર્ચ વચ્ચે ૪૧.૯૯ એમયુએસથી ૩૫.૭૩૧ એમયુએસ થયો છે. આ જ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં વીજ વપરાશ ૩૮.૩૬ એમયુએસથી ઘટીને ૩૦.૨ એમયુએસ થયો હતો. તો કૃષિ વીજ વપરાશ પણ ૮૨.૦૨ એમયુએસથી ઘટીને ૬૩.૧૨૨ એમયુએસ પ્રતિ દિવસ થયો હતો.

રાજ્ય સરકારના સૂત્રના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર સંચાલિત પાવર કંપનીઓ તેમજ ખાનગી કંપનીઓને લોકડાઉનના કારણે મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવશે. ઉપરાંત લોકડાઉનના સમયગાળામાં રાજ્ય સરકારને ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી પેટે રૂપિયા ૫૦૦ કરોડનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

Related posts

ઓમિક્રોનની એન્ટ્રી : ઝિમ્બાબ્વેથી ગુજરાતમાં આવેલ વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ, CMએ તાત્કાલિક મિટીંગ બોલાવી

Charotar Sandesh

કોંગ્રેસ કૃષિ બિલના વિરોધમાં ૨૬ ડિસેમ્બરથી “ચલો ખેતરે-ચલો ગામડે” કાર્યક્રમ…

Charotar Sandesh

બ્રેકિંગ : સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો : હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ : જુઓ સમગ્ર વિગત

Charotar Sandesh