રૂપાણી સેલ્ફ આઇસોલેટ થયા…
ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ મુખ્યમંત્રીનું તબીબોએ પરિક્ષણ કર્યું…
ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તેમણે મુલાકાત કરી હતી અને આ બેઠકમાં ખેડાવાલાએ માસ્ક પહેર્યુ નહોતું. દરમિયાન ગઈકાલથી જ સીએમ રૂપાણી સહિતના તમામ લોકોએ હોમ ક્વૉરન્ટાઇન થવું એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે આજે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય અંગે તેમના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તબીબોએ તેમનું પરિક્ષણ કર્યુ છે.
અશ્વિની કુમારે જણાવ્યું કે વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. મુખ્યમંત્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન, ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કૉલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે.
અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે.આ પણ વાંચો : લૉકડાઉન પાર્ટ-૨માં ખેડૂતોને મળી મોટી રાહત, હવે આ કામોને મળી છૂટ
દરમિયાન કોંગ્રેસના જે ત્રણ ધારાસભ્યો સીએમ રૂપાણી સાથે બેઠકમાં જઈ આવ્યા હતા તેમાં શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખનો પણ સમાવેશ થાય છે. આ બંને ધારાસભ્યોના પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસની આ મહામારીમાં અમદાવાદના જનપ્રતિનિધિઓ પણ સપડાતા તંત્ર દોડતું થઈ ગયું છે.