કોરોનાના કોઈપણ જાતના લક્ષણો ન હોવા છતાં એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડતાં તુરંત જ હોસ્પીટલમાં લઈ જવાયા હતા…
USA : આણંદ શહેરની પાયોનિયર હાઈસ્કુલ પાસે આવેલી પટેલ સોસાયટીમાં રહેતા અને છેલ્લા પાંચેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનનું ગઈકાલે સાંજના સુમારે કોરોના વાયરસથી મોત થતાં આણંદ ખાતે રહેતા તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, આણંદ ખાતે રહેતા હેમેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ (ઉ. વ. ૪૯) પાંચેક વર્ષ પહેલા અમેરિકા ખાતે ગયા હતા અને ન્યુજર્સીના પાર્સિપેની ટાઉન ખાતે પત્ની પારૂલબેન અને પુત્રી વિધિ સાથે રહેતા હતા. અઠવાડિયા પહેલાં બપોરના સુમારે ચા-નાસ્તો કર્યા બાદ એકાએક તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જેથી તેમને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કોરોના રીપોર્ટ કઢાવતા તે પોઝિટીવ આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર હેમેન્દ્રભાઈને કોરોનાના કોઈપણ જાતના લક્ષણો ના હોવા છતાં પણ કોરોના પોઝિટિવ આવતાં જ ઘરના સભ્યો હેબતાઈ ગયા હતા. આ તરફ હેમેન્દ્રભાઈને હોસ્પીટલમાં આઈસોલેટ કરીને સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. જો કે હાલત વધુ લથડતાં તેમને વેન્ટીલેટર પર મુકી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે અમેરિકામાં સાંજના સુમારે તેઓએ દમ તોડી દીધો હતો. આ સમાચાર આણંદ આવતાં જ તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તેમના પિતરાઈ ભાઈના જણાવ્યા અનુસાર તેમના પત્ની અને પુત્રીની તબિયત સારી છે. આમ, કોરોના વાયરસે આણંદના એક યુવાનનો ભોગ લેતાં જ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને લઈને ચરોતરવાસીઓની ચિંતામાં વધારો થઈ જવા પામ્યો છે.
- Yash Patel, USA