Charotar Sandesh
ગુજરાત

મહત્વપૂર્ણ નિર્ણય : મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્ષ સિવાયની તમામ દુકાનો રવિવારથી ખોલી શકાશે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાના-મોટા દુકાનધારકોને ધ્યાનમાં રાખી કેન્દ્રના આદેશનો અમલ કર્યો…

તમામ દુકાનોમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત રહેશે…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટિંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્ય માં આ નિર્ણયની જાહેરાત કરી છે.ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.

જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં  IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણની સ્થિતીને કારણે લોકડાઉનની જાહેર થવાની પરિસ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે એવો નિર્ણય કર્યો છે કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમિતિઓની મુદત તા. ૩૧ જુલાઇ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ થવાની છે તેવી બજાર સમિતિઓની મુદત તા. ૩૧ જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે.

અન્ય શું જાહેરાતો કરાઈ…

  • દુકાનદારોએ કોઇ પાસની જરૂર નથી. માત્ર ગુમાસ્તા ધારાનું લાઈસન્સ અને ઓળખના પુરાવા જરૂરી રહેશે
  • આઇટી અને આઇટી સેક્ટર સાથે જોડાયલી ઇન્ડસ્ટ્રીને કન્ટેઇનમેન્ટ એરીયાની બહાર 50 ટકા સ્ટાફ સાથે ચાલુ કરવાનો નિર્ણય કરાયો
  • સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીની મુદત ત્રણ માસ માટે લંબાવાઇ
  • એનએફએસએ કાર્ડ ધારકના સાડા ચાર લાખ લોકોએ અનાજ મેળવવાનો લાભ લીધો
  • સસ્તા અનાજની દુકાનનો સમય સવારના 8 થી સાંજ સુધી કરવામાં આવ્યો
  • શોપ એન્ડ એસ્ટાબ્લીસ મેન્ટ એક્ટ હેઠળ આવતી દુકાનો શરૂ કરવામાં આવશે
  • સ્ટેશનરી દુકાનો, કારીયાણા, મોબાઈલ રિચાર્જની દુકાનો, પંચરની દુકાનો, ઇલેક્ટ્રીકની દુકાનોને છૂટ અપાશે.
  • એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે.

શુ નહિ ખોલી શકાય…

  • મોલ અને માર્કેટીંગ કોમ્પલેક્ષને હજુ શરૂ કરવામાં આવશે નહિ
  • પાન મસાલાની દુકાનો શરુ કરવાની નથી
  • આઈસ્ક્રીમની દુકાનો અને હોટેલો વિશે નિર્ણય હજુ થયો નથી. ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે
  • પબ્લિક ટ્રાન્સપોર્ટને હજુ મંજુરી અપાઇ નથી
  • રીક્ષાને પણ મંજુરી નથી
  • પગરખા દુકાનો નહીં ખુલે
  • પાનના ગલ્લાનો નિર્ણય હજી કરાયો નથી. સલૂન પણ નહિ ખોલી શકાય. .
  • નાસ્તા-ફરસાણની દુકાનો પણ નહિ ખૂલે. ઠંડા પીણાંની દુકાનો નહીં ખોલી શકાય.

Related posts

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh

સુરતના બિલ્ડરે ૧૯૨ કિલોનો તૈમુર બકરો રૂ.૧૧ લાખમાં ખરીદ્યો

Charotar Sandesh

રાત્રીની તમામ ટ્રેનોમાં મહિલા કોન્સ્ટેબલોની ફાળવણી કરવા રેલ્વે આઇજીનો આદેશ…

Charotar Sandesh