ચિંતાજનક કેસના વધારાને પગલે સરકાર ચિંતિત…
મુંબઇ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા શહેર મુંબઈમાં લોકડાઉન જૂન સુધી લંબાઈ શકે છે. મુંબઈ ઉપરાંત પુણેમાં પણ મહારાષ્ટ્ર સરકાર લોકડાઉન લંબાવવા વિચારી રહી છે. દેશમાં લોકડાઉન ૩ મેના રોજ પૂરું થઈ રહ્યું છે, પરંતુ મુંબઈ અને પુણેમાં કોરોના હજુય બેકાબુ છે. જો આવા સમયે લોકડાઉન ખોલી દેવાય તો કોરોના વધુ વકરે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં મુંબઈ તેમજ પુણેમાં લોકડાઉન ખોલવાનો કોઈ સવાલ જ નથી. ઉલ્ટાનું જે રીતે કેસો વધી રહ્યા છે, તેને જોતાં નિયંત્રણો હજુય કડક કરવાની જરુર છે. આ સંજોગોમાં લોકલ ટ્રેનો, બસો, દુકાનો અને કંપનીઓના કામકાજ પર જુન સુધી નિયંત્રણ રહી શકે છે.
મુંબઈ અને પુણે મહારાષ્ટ્રના આર્થિક ગતિવિધિના સૌથી મોટા કેન્દ્ર છે. એક તરફ મહારાષ્ટ્ર સરકાર પર આર્થિક ગતિવિધિઓને ફરી શરુ કરવાનું દબાણ છે, ત્યારે આ બંને શહેરોમાં હાલ લોકડાઉન ઉઠાવી શકાય તેવી સ્થિતિ નથી. તેવામાં સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
શુક્રવાર સુધીમાં મુંબઈમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૪,૫૮૯ થઈ ગઈ હતી, અને શહેરમાં રોજના ૨૦૦ જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. પુણે મેટ્રોપોલિટન રિજનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુરુવારે અહીં ૧૦૪ નવા પેશન્ટ ઉમેરાયા હતા. પુણેમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન હાલમાં જ વધુ સખ્ત બનાવાયું છે, અને લોકોને જરુરી વસ્તુ ખરીદવા રોજના બે કલાક જ છૂટ અપાઈ રહી છે.
મુંબઈમાં હાલ ૯૮૩ કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાંના અડધોઅડધ ઝૂંપડપટ્ટી વિસ્તારના છે. મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ નવા કેસ જોવા મળી રહ્યા છે. નાશિકના માલેગાંવમાં ૧૦૦થી વધુ કેસ થઈ ચૂક્યા છે, અને નાગપુરમાં પણ અત્યારસુધીનો આંકડો ૧૦૦ને પાર થઈ ચૂક્યો છે.