યુનેસ્કો ભલે દર વર્ષે 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઊજવતું હોય, પરંતુ જેઓ પુસ્તકોને ચાહે છે કે, જેઓ દિવસમાં ઓછામાં ઓછો એક કલાક પણ પુસ્તકોની સંગત માણે છે એવા લોકો તો પ્રત્યેક દિવસે પુસ્તક દિવસ ઊજવતા હોય છે. એવા લોકોએ પુસ્તકો માટેના કોઈ વિશેષ દિવસની રાહ નથી જોવી પડતી. અરે… અરે… પણ એવા લોકો એટલે કેવા લોકો? એ લોકો એટલે કોણ?
આ લેખ પૂરતી, એવા લોકોની ઓળખાણ આપવાની હોય તો હું કહીશ કે, એ લોકો એટલે ગુજરાતના નામી અને લોકપ્રિય લેખકો અને પત્રકારો, જેમના શબ્દોમાં કંઈક જાદુ છે, એમના વિચારોનું આગવું મૂલ્ય છે અને એમણે લખેલા લેખો કે કવિતાઓનો બુલંદ પ્રભાવ છે. આ લોકો એમના દિવસનો મોટા ભાગનો સમય શબ્દોની વચ્ચે, પુસ્તકોની વચ્ચે વિતાવે છે અને ખૂબ વાંચે–વિચારે છે. આવા સમયે ભાવક તરીકે કે એમના ચાહક તરીકે એમ થાય કે આપણા પ્રિય લેખકોને એમનાં પુસ્તકો પ્રત્યે કેવો લગાવ હશે? કે એમની પર્સનલ લાઇબ્રેરીમાં પુસ્તકો કેટલાં હશે? તેઓ એમનાં પુસ્તકો કોઈને વાંચવા આપતા હશે ખરા? અને જો વાંચવા આપતા હોય અને એમનું પુસ્તક પરત નહીં આવે અથવા ગેરવલ્લે થાય તો, આવા સમયે તેઓ શું કરતા હશે?
ખેર, આજે ‘વર્લ્ડ બુક ડે‘ના દિવસ માટે આપણી ભાષાના છ લોકપ્રિય લેખકોએ ‘khabarchhe.com’ને ખાસ મુલાકાત આપી હતી અને એમનાં પુસ્તકો વિશે કે પુસ્તકો માટેના એમના પ્રેમ વિશે કેટલીક રસપ્રદ વાતો કરી હતી. આ બધી મુલાકાતોને એક સાથે પ્રકાશિત કરવાની હોવાથી આજે ઘણા વખતે એક પ્રયોગ કરવામાં આવ્યો છે અને દરેક સવાલની નીચે કુલ છ જવાબ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ મુલાકાતો પ્રકાશિત કરતી વખતે ડિજિટલ માધ્યમની થોડી મર્યાદાઓ નડી રહી છે એટલે કદાચ આ મુલાકાત થોડી લાંબી લાગી શકે છે પરંતુ એક વાત દાવાપૂર્વક કહી શકાય કે, આટલું લાંબું લખાણ વાંચ્યા પછી પણ વાચક કંટાળવાનો નથી. કારણ કે લંબાણની સાથે અહીં ઉંડાણ પણ છે! તો ચાલો એક ગોતાખોરી કરીએ આ સવાલ–જવાબોમાં…
પ્રશ્નઃ પુસ્તક સાથે પહેલી વાર દોસ્તી ક્યારે બંધાયેલી?
(કૃષ્ણકાંત ઉનડકટ)
મને દોસ્તી વિશેની સમજણ પડી એ પહેલાં મને પુસ્તક સાથે દોસ્તી બંધાઈ ગયેલી! કારણ કે, દોસ્તી શું છે કે દોસ્તી
કોને કહેવાય એની સમજણ જ મને પુસ્તકો પાસેથી મળી છે. નાના હતા ત્યારે જ્યારે મારાં ભાઈ–બહેન રમવા જતાં ત્યારે પણ હું મારાં પુસ્તકોની દુનિયામાં ખોવાયેલો રહેતો.
(સૌરભ શાહ)
મારી માલિકીનું પહેલવહેલું પુસ્તક મૂળશંકર મો. ભટ્ટે ટ્રાન્સલેટ કરેલું જુલે વર્નનું ‘સાહસિકોની સૃષ્ટિ‘. મારી દસમી વર્ષગાંઠે મારા પપ્પાના કઝીન સંજયભાઈએ મને ભેટ આપેલું આ પુસ્તક, હું તે વખતે ઑલરેડી ‘રમકડું‘ વગેરે મેગેઝિનો અને બકોર પટેલ, છકોમકોનાં પુસ્તકો વાંચતો થઈ ગયો હોવા છતાં, બે વર્ષ પછી – સાતમા ધોરણના વેકેશનમાં વાંચ્યું. કેમ? એના ટાઇપ બહુ ઝીણા હતા!
(જય વસાવડા)
પુસ્તકો સાથે તો નાનપણમાં જ દોસ્તી બંધાઈ ગયેલી. મારાં મમ્મી–પપ્પાએ મને ઘરે ભણાવવાનો નિર્ણય કરેલો ત્યારે એમણે બીજો નિર્ણય એ કરેલો કે, તેઓ મારા માટે રોજનું એક નવું પુસ્તક ખરીદીને લાવશે અને એ રીતે મેં ઘણાં પુસ્તકો વાંચેલાં. મેં પોતે ખરીદેલા પહેલા પુસ્તકની વાત કરું તો 1979માં અમદાવાદમાં ‘બાળનગરી’ ભરાયેલી ત્યારે મેં અનડા પ્રકાશનનું ‘ઉંદરોની મિજબાની’ નામનું પુસ્તક ખરીદેલું.