કોરોના પર કાબુ મેળવવા દેશો ખૂબ જ સાવધાની અને યોજના નિર્ણયો લે…
જિનિવા : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે દુનિયાના દેશોને ચેતવણી આપતા કહ્યું કે જો લોકડાઉનને યોગ્ય રીતે હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખરાબ રીતે વણસી જશે. WHOના મહાનિદેશક ટેડ્રોસ અધનોમે વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે મોટા ભાગના દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા વ્યાપને કાબુમાં લેવા માટે લોકડાઉન પર લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ મુકવા માટે વિચાર કરી રહ્યા છે. પરંતુ હું તેવા દેશોને કહેવા માગુ છું કે લોકડાઉનમાં છૂટ-છાટ આપવા વિશે ખૂબ જ સમજી વિચારીને અને સાવધાની પૂર્વક નિર્ણય લે.
બુધવારના રોજ જિનિવામાં યોજાયેલી એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, જો દેશો દ્વારા સંક્રમણ પર કાબુ મેળવવા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક અને યોજનાપૂર્વક નિર્ણયો લેવામાં નહીં આવે તો ફરીથી લાંબા સમય માટે લોકડાઉન લગાવવું પડી શકે છે.
WHOના છ માપદંડો પર વિચાર કરવા માટે ટેડ્રોસે તમામ દેશોને ભલામણ કરતા કહ્યું કે જો દેશો દ્વારા સંક્રમણને રોકવા માટે લેવામાં આવતા પગલાઓને ખૂબ જ સાવચેતીથી, તબક્કાવાર રીતે, પ્રત્યેક મામલામાં ટેસ્ટિંગ કરીને સરાવાર કરવી, દરેક સંપર્કને ટ્રેસ કરવા, કાર્યસ્થળોએ અને શાળાઓમાં વાયરસને ફેલાતો રોકવા જરૂરી સારવાર આપવી, સખત કાળજી જાળવવી, આઈસોલેશનમાં જરૂરી સારવાર આપવી તેમજ લોકડાઉન ખુલ્યા પછી પણ સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે એવા માપદંડો બનાવવા કે જેમાં દેશની જનતાનો પૂર્ણ સહયોગ મળી રહે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું કે WHOને મળેલા અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લગભગ ૨,૫૦,૦૦૦ લોકો મોતને ભેટ્યા છે જ્યારે ૩૫ લાખથી વધારે લોકો આ વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆત બાદથી દુનિયામાં દરરોજ સરેરાશ ૮૦,૦૦૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે WHO અત્યારે વિશ્વવ્યાપી કોરોના વાયરસની મહામારી સાથે સંકળાયેલી અનેક બેદરકારીને કારણે નિંદાનો સામનો કરી રહ્યો છે.