અમદાવાદ/વારાણસી : ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પર સમગ્ર વિશ્વની નજર છે. આ ઝડપમાં ભારતના ૨૦ જવાનો શહીદ થઈ ગયા છે, જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું છે. ચીનની આ હરકતથી દેશભરમાં લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાતમાં પણ લોકો ચાઈનીઝ પ્રોડક્ટ્સને આગને હવાલે કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. ટ્વીટર ઉપર પણ #TeachChinaLesson ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્થાનિક લોકોએ ચીની રાષ્ટ્રપતિ સી જિનપિંગના ફોટા, પૂતળા અને ચાઈનીઝ પ્રોડક્ટને આગ લગાવીને ચીન પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. લોકોએ ચીની ઝંડા સાથે ચાઈનીઝ પ્રોડક્ટ્સ અને રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરીને ચીન મુર્દાબાદના સુત્રોચાર કર્યા હતા. આવી જ રીતે ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ એનજીઓ વિશાળ ભારત સંસ્થાના બેનર હેઠળ લોકોએ ચીનના રાષ્ટ્રધ્વજ અને પ્રેસિડન્ટ શી જિનપિંગના પૂતળાનું દહન કર્યું છે. આ ઉપરાંત ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારને લઈને કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ ચીનને આર્થિક નુક્સાન પહોંચાડવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.
આ માટે સીએઆઈટીએ ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કાર અને ભારતીય સામાનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે “ભારતીય સામાન-હમારા અભિમાન” અભિયાનની શરૂઆત કરી દીધી છે. જણાવી દઈએ કે, ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર તનાવની સ્થિતિ છે. ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા છે, તો ચીનના ૪૩ સૈનિકો ઠાર મરાયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.