RTI અંતર્ગત પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં રેલ મંત્રાલયે કહ્યું હતું કે, છેલ્લા 4 વર્ષોમાં રેલયાત્રીઓ પાસે જબરદસ્તી પૈસા વસૂલી કરવાને લઇને 73000થી વધુ કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે, છેલ્લા 4 વર્ષમાં દરરોજ સરેરાશ 50 કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાત્રીઓની હંમેશાં ફરિયાદ રહે છે કે, કિન્નરો દ્વારા તેમને પરેશાન કરવામાં આવે છે અને જબરદસ્તી પૈસા પણ વસૂલ કરવામાં આવે છે, જેને લઇને ફરિયાદ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કિન્નરોને પૈસા ન મળતા અમુક યાત્રીઓએ શારીરિક શોષણની પણ ફરિયાદ કરી છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) આ પ્રકારના કેસ રોકવા માટે નિયમિત અભિયાન ચલાવી રહ્યું છે. RTIમા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, 2015થી 2019ના જાન્યુઆરી મહિના સુધીમાં 73837 કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે. 2015મા 13546, 2016મા 19800, 2017મા 18526 અને 2018મા 20566 કિન્નરોની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું હતું કે, ભારતીય રેલવે દુનિયાની બીજી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે, જે લગભગ 65000 કિલોમીટર કવર કરે છે, જે અંતર્ગત 8000 સ્ટેશન આવે છે અને દરરોજ 19000 ટ્રેન ચાલે છે.