કાયરો : ઈજિપ્તની જાણીતી બેલી-ડાન્સર સમા-અલ માસરીને ત્રણ વર્ષની જેલની સજા અને લગભગ ૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પર સોશિયલ મીડિયા ઉપર વ્યભિચાર અને અનૈતિક આચરણનો આરોપ લગાવવામાં આવ્યો છે. એપ્રિલ માસમાં સમાના સોશિયલ મીડિયા પોસ્ટ, ફોટોઝ અને વીડિયોની તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સમાએ જણાવ્યું છે કે, તે આ આદેશની વિરુદ્ધ અપીલ કરશે. ૪૨ વર્ષની ડાન્સર સનાએ તમામ આરોપોને વખોડતા જણાવ્યું છે કે, જે કન્ટેન્ટને લઈને તેને સજા ફટકારવામાં આવી છે તે તેના ફોનમાંથી તેની પરવાનગી વગર લેવામાં આવ્યો છે. કોર્ટે શનિવારે જણાવ્યું કે, સમાએ પારિવારિક અને રાષ્ટ્રીય મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે અને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવીને તેનો ઉપયોગ અનૈતિક આચરણ માટે કર્યો છે. ટિક-ટોક પર વીડિયો અપ્લોડ કરનારી સમા અને અન્ય મહિલાઓની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતા સંસદના સભ્ય જોન તલાતે જણાવ્યું કે, આઝાદી અને વ્યાભિચારની વચ્ચે ખૂબ જ ફરક છે.