બે જવાન ગંભીર રીતે ઘાયલ, પોલીસે ત્રણ વર્ષના બાળકને બચાવ્યું…
સોપોર : જમ્મુ-કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્મની ટીમ પર આતંકવાદી હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફ ૧૭૯ બટાલિયનના એક જવાન શહીદ થઈ ગયા છે જ્યારે બે જવાનને ગંભીર ઈજા પહોંચી છે. ગોળીબારમાં એક નાગરિક મોતને ભેટ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રામણે આતંકવાદીઓએ પૂર્વ તૈયારીઓ કરીને પેટ્રોલિંગ કરી રહેલી સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે સૌનાં હ્રદયને સ્પર્શી ગઈ છે. એક જવાન આતંકવાદીઓની ગોળીથી બચાવવા માટે એક બાળકને હાથમાં લઇને તેને સુરક્ષિત સ્થાને લઇ જઇ રહ્યો છે. આ તસવીર અત્યારે ઘણી જ વાયરલ થઈ રહી છે.
મૃતક નાગરિક ૬૦ વર્ષનાં વૃદ્ધ હતા. જમીન પર તેમનો મૃતદેહ પડ્યો છે, કપડા લોહીથી લથબથ છે અને ત્યાં જ મૃતકનો ૩ વર્ષનો પૌત્ર પણ હાજર છે. આ માસૂમ પોતાના દાદાની લાશ પર એ રીતે બેઠો છે કે જાણે ક્યારેક તે દાદાનાં ખોળામાં રમતો હતો. પરંતુ તેના દાદાનું શરીર ગોળીઓથી વિંધાયેલું હતુ અને કપડા લોહીથી ભરેલા હતા. આવામાં ત્યાં રહેલા સેનાનાં જવાને બાળકને ખોળામાં ઉપાડ્યું અને આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણવાળી જગ્યાએથી દૂર લઇ ગયા.
સોપોરના મોડલ ટાઉનમાં સીઆરપીએફની નાકા પાર્ટી પર બુધવારે સવારે આતંકવાદીઓ તરફથી ભીષણ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. જેમાં ત્રણ જવાન અને બે નાગરિકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાન શહીદ થયા તેમજ બે નાહરિકોના મોત નિપજ્યા છે.
સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની તરફથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સંયુક્ત સર્ચ ઓપરેશનમાં આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે. ઘાટીમાં જવાનોએ આતંકવાદીઓનો સફાયો કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત જૂન મહિનામાં ૪૮ આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. જેના કારણે આતંકવાદીઓ ઉશ્કેરાયેલા છે.