એક તરફ ઉનાળાની ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ પાણીના સ્ત્રોત સુકાઈ જવાના કારણે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. બીજી તરફ ખેડૂતોને પાણીની અછતના કારણે પોતાનો પાક સુકાઈ જવાની ભીતિ સતાવી રહી છે. ગુજરાતમાં કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં ખેડૂતોએ પાક નિષ્ફળ જવાની ભીતિના કારણે મોતને વ્હાલું કર્યું હોય. ત્યારે હવે પંચમહાલના 50 કરતા વધારે ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
એક રીપોર્ટ અનુસાર, પાણી મળશે તેવી આશાએ પંચમહાલના ખેડૂતોએ વાવણી કરીને આવક મેળવવાનો વિચાર કરીને ડાંગરના પાકની વાવણી કરી હતી. વાવણી કર્યા પછી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ડાંગરની વાવણી કરી હોય તેવા 50 કરતા વધારે ખેડૂતોએ ગુણેલી સિંચાઈ તળાવનું પાણી સિંચાઈ માટે છોડવા માટે રજૂઆત અધિકારીથી લઈને જિલ્લા કલેક્ટરને કરી હતી. રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડીક આવકની આશાએ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારના 50 કરતા વધારે ખેડૂતોએ 100થી વધારે એકરમાં ડાંગરના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હવે સિંચાઈનું પાણી ન મળવાને કારણે પાક નિષ્ફળ થવાની ભીતિના કારણે 50 કરતા વધારે ખેડૂતો આત્મવિલોપન કરવાની ચીમકી તંત્ર સામે ઉચ્ચારી રહ્યા છે.
ખેડૂત આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવતું હતું કે, ડાંગરની ખેતી કરવા માટે મોટાભાગના ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી છે અને જો હવે ડાંગરના પાકના સિંચાઈ માટે ખેડૂતોને પાણી નહીં મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ થવાની અને 20 લાખ કરતા વધારે રૂપિયાનું નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. જો પાણીના કારણે પાક નિષ્ફળ જશે તો ખડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.