સુરત : શહેરના વરાછા વિસ્તારમાં અનાજમાફીયાઓ દ્વારા ચલાવાય રહેલ કૌભાંડ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજાગર કરાયું છે. આ સમગ્ર મામલો યેનકેન પ્રકારે દબાવી દેવાના પ્રયત્ન પુરવઠા અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યા છે. આ સાથે નાયબ મામલતદાર ૨ કલાકથી વધુ સમયથી સ્થળ પર હાજર હોવા છતા ગોડાઉન ખોલવા મામલે કોઇ કાર્યવાહી નહીં કરાઈ અને મામલતદારને મામલાની જાણ થતા ફોન ઉંચકવાનું બંધ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
સુરતના વરાછા વિસ્તારના વસુંઘંરા એસ્ટેટ, પ્રમુખસ્વામી બ્રિજની નીચે એ.કે રોડ ખાતે બપોરે ૨ વાગ્યાના સુમારે સરકારી અનાજનો જથ્થા ભરેલા ગોડાઉન પર આપના કાર્યકરો દ્વારા રેડ કરાતા દુકાન માલીક ગોડાઉનને તાળું મારી ભાગી ગયો હતો. ગોપાલ ઇટાલીયા (ઉપાઘ્યક્ષ,આપ, ગુજરાત)એ જણાવ્યું હતું કે, પુરવઠા તંત્રને જાણ કરતા તંત્ર તરફથી કતારગામ નાયબ મામલદાર હાજર થયાના ઘટનાને ૪ વિત્યા બાદ મામલતાર સ્થળ પર હાજર થયા હતા. ઘટનાને ૬ કલાક વિતી ગયા બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી કરાઇ રહી નથી.
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અઘિકારીઓ માત્ર વાતો કરી પોલીસની મદદથી મીડિયા કર્મીઓ અને આપના કાર્યકરોને ઘટનાસ્થળેથી ભગાડી રહ્યા છે. જ્યારે મીડિયા કર્મીઓ ૬ કલાકથી સવાલ પુછી રહ્યા છે ત્યારે એક જ જવાબ આપી દેવામાં આવી રહ્યો છે કે, મકાન માલિકના આવ્યા બાદ તાળું ખોલ્યા બાદ આગળની કાર્યવાહી કરીશું. સુત્રોના જણાવ્યા મુજબ મોડી રાત્રે ગોડાઉન ખોલીને કાર્યવાહી શરૂ કરાઇ હતી.