અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા તેઓ ૧૦૧ દિવસથી સારવારમાં હતા. ૫૧ દિવસ વેન્ટિલેટર સહિત ૧૦૧ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. તેમને ૨૨મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. જો કે આજે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તબિયતમાં પણ સુધારો થતા તેમને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સામે છેલ્લા ૧૦૧ દિવસથી લડાઈ લડતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને હરાવ્યો છે.
ત્યારે સિમ્સ હોસ્પિટલમાં તેમના હાલચાલ પૂછવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. તેમની સાથે અમિત ચાવડા પણ જોડાયા હતા. ૨૨ જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત બગડતા તેમને ૩૦મી જૂનના રોજ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને ૧૯ જૂને ચૂંટણી પૂર્ણ થયા બાદ ૨૨ જૂને તુરંત જ કોરોના થયો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ ત્યાં તેમની તબિયત બગડતા તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરતસિંહને કોરોનાની સાથે બીજી બીમારીઓ પણ હોવાથી તેમને સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો છે.
માત્ર એટલું જ નહીં સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું અને તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્યારે તેમની ફિઝિયોથૅરાપી સારવાર કરાઈ હતી. એક મહિનાની સારવાર બાદ ભરતસિંહની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો હતો. ભરતસિંહને વેન્ટિલેટર (સી-પેપ )પર રાખ્યા હતા અને સ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો. તેમજ ડોક્ટર્સે ધીમે ધીમે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્નો કર્યા હતા. સેડેશન ઓછું કરતા તેઓ શરીરનું હલનચલન પણ કરવા લાગ્યા હતા અને ધીમે ધીમે બીજા રિપોર્ટ પણ સામાન્ય આવવા લાગ્યા હતા. એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.