આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, સ્કોલરશીપ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘેરબેઠાં મેળવી શકાશે…
આણંદ : રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોએ કચેરીઓ સુધી લાંબા થવું ન પડે તે માટે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની કુલ ૧૧૮ સેવાઓ ડિઝીટલ પોર્ટલનાં માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના નાગરિકો સરકારી સેવાઓ જેવી કે, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ, સ્કોલરશીપ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ જેવી અનેકવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ હવે ઘેરબેઠાં મેળવી શકશે.
“ડિઝીટલ ગુજરાત પોર્ટલ” ના માધ્યમથી છેવાડા અને અંતરીયાળ વિસ્તારમાં રહેતાં સામાન્ય નાગરિકો પણ સરકારી કચેરીઓમાં પ્રત્યક્ષ જવાને બદલે ઘરેબેઠાં ઓનલાઇન સેવાઓ મેળવી શકે છે. હાલમાં કોવિડ-૧૯ કોરોનાની વૈશ્વિક મહામારીની સ્થિતિમાં લોકો સુરક્ષિત રહે તેમજ બહાર જવાને બદલે આ પ્રકારની સેવાઓ ઓનલાઇન મેળવવાનું શરૂ કરે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પ્રકારની ઓનલાઇન સેવાની મદદથી નાગરિકોનાં નાણા અને સમયનો પણ બચાવ થતો હોઇ રાજય સરકારની સેવાઓના લાભ મેળવવા માટે ડિઝીટલ ગુજરાત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા આણંદના ગ્રામ્ય મામલતદાર શ્રી આર.બી. પરમારે એક યાદી દ્વારા નાગરિકોને અપીલ કરી છે.