વડોદરા : ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચ્યો છે. તમામ ૮ બેઠકો કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. આજે કરજણ બેઠક સહિત ગુજરાતની ૮ બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. કરજણમાં વિજય સંકલ્પ સભામાં જતાં પૂર્વે વડોદરા એરપોર્ટ પર તેમને રાજીવ સાતવે જણાવ્યું કે, પેટાચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી ગવર્નર બનશે કે પ્રભારી બનશે. તે એક મોટો સવાલ છે. કારણ કે, કોંગ્રેસ ગુજરાતની તમામ ૮ પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવશે.
રાજીવ સાતવે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાઉ અને ભાઇની લડાઇમાં કાકા પરેશાન છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયો છે. નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની ઘટના જો બનતી હોય તો સામાન્ય વ્યક્તિની સુરક્ષા અંગે પ્રશ્ન છે. તેવો કટાક્ષ કરી ઉમેર્યું કે, કોંગ્રેસ ગુજરાતની તમામ ૮ બેઠકો ઉપર વિજય મેળવશે. ગુજરાતની પ્રજા પેટાચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવી ભાજપને જવાબ આપશે. આજે વડોદરા એરપોર્ટ મથકે આવી પહોંચેલા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ) સહિત કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કરજણમાં વિજય સંકલ્પ સભામાં જતાં પહેલા એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં રાજીવ સાતવે જણાવ્યું કે, ગુજરાતમાં પેટા ચૂંટણી ભાજપાના કારણે આવી છે. ભાજપની ધારાસભ્યોની ખરીદદારીના કારણે આજે ગુજરાતની પ્રજામાં ભારે રોષ છે. ગુજરાતની પ્રજાએ પાંચ વર્ષ માટે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા હતા, પરંતુ, ભાજપે ધારાસભ્યોની ખરીદદારી કરવાના કારણે ચૂંટણી અઢી વર્ષમાં આવી છે, પરંતુ, હવે ભાજપના વળતા પાણી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ વિરોધી લહેર શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં પણ ભાજપ વિરોધી લહેર શરૂ થઇ ગઇ છે. પેટાચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી ગવર્નર બનશે કે પ્રભારી તે એક મોટો સવાલ છે. ગુજરાતના મુખ્યમંત્રીને ખુરશી ઉપર બેસી રહેવાનો કોઇ અધિકાર નથી.