ચાલુ વર્ષે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા ૨૦ જિલ્લાઓમાંથી કુલ ૧૮,૯૫,૫૦૧ ખેડૂતોએ સહાય માટે અરજી કરી…
ગાંધીનગર : ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા ૨૦ જિલ્લાઓમાંથી કુલ ૧૮,૯૫,૫૦૧ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. આજે ૩૧ ઓક્ટોબરના અરજી સ્વીકારવાના છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજીઓ કરી હતી. ખેડૂતોને હેક્ટરદીઠ ૧૦ હજારની સહાય આપવામાં આવનાર છે. જેમાં મહત્તમ સહાય બે હેક્ટરની જ મળશે. આગામી ૧૫ દિવસમાં ખેડૂતોને સહાયની સંપૂર્ણ રકમ ચૂકવાઇ જશે તેવુ અધિકારીઓ જણાવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ અરજી રાજકોટ જિલ્લામાંથી ૨,૧૩,૯૭૭ આવી છે.
ત્યાર બાદ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાંથી અતિવૃષ્ટિ સહાય માટે ખેડૂતોએ મહત્તમ અરજીઓ કરી હતી. સૌથી ઓછી અરજી નવસારી જિલ્લામાંથી ૪૫૪ આવી છે. છેલ્લા એક માસથી અરજીઓ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે તા.૩૧ ઓક્ટોબરના છેલ્લા દિવસે સાંજના ૬ વાગ્યા સુધીમાં ૧૮.૯૫ લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે. અસરગ્રસ્ત ૨૦ જિલ્લાઓમાંથી ૨૭ લાખથી વધુ અરજીઓ આવશે
તેવી ધારણા રાજ્ય સરકારે બાંધી હતી. નોંધપાત્ર છેકે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિમાં ખરીફ પાકને મોટાપાયે નુકશાની થવા પામી હતી. દિવસો સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા પાક કોહવાઇ ગયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોને મોટું નુકશાન થતા રાજ્ય સરકારે સહાય જાહેર કરી હતી.