અમદાવાદ : દેશભરમાં હવે સ્કૂલો બાદ કૉલેજ અને યુનિવર્સિટીઓ ખોલવાની તૈયારીઓ થઈ રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ આ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવતા કૉલેજોને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, તેને તબક્કાવાર ખોલવામાં આવશે. જેમાં સૌથી પહેલા માસ્ટર્સ, રિસર્ચ અને ફાઈનલ યરના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ થશે. જે બાદ અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલવામાં આવશે.
યુજીસીની ગાઈડલાઈન્સ અનુસાર,એક ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને કૉલેજમાં બોલાવવામાં આવશે. કોઈ પણ ક્લાસમાં જો ૧૦૦ વિદ્યાર્થીઓ હોય, તો એક દિવસમાં માત્ર ૫૦ જ વિદ્યાર્થીઓ આવી શકશે. જણાવી દઈએ કે, ગત મહિને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૫ ઓક્ટોબર બાદ સ્કૂલ અને કૉલેજ ખોલવાનો નિર્ણય રાજ્યો લઈ શકે છે. જે બાદ કેટલાક રાજ્યોએ સ્કૂલો ખોલી દીધી છે. જ્યારે કેટલાક રાજ્યો સ્કૂલો અને યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યાં છે.
-
કૉલેજ અને યુનિવર્સિટી માટે ગાઈડલાઈન્સ…
તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કૉલેજમાં એન્ટ્રી વખતે થર્મલ સ્ક્રીનિંગ થશે. જેમાં જોવામાં આવશે કે, કોઈને તાવ તો નથી ને.
વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્લાસના સમય વધારવા અને અઠવાડિયામાં ૬ દિવસનું શિડ્યૂલ બનાવવાનું સૂચન આપવામાં આવ્યું છે.
કૉલેજોમાં અલગ-અલગ બેંચમાં ભણાવવામાં આવશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સાથે જ તમામ લોકોને માસ્ક પહેરવું ફરજિયાત છે.
કૉલેજમાં વિદ્યાર્થીઓની હાજરી મૌખિક રીતે લેવાશે
જે વિદ્યાર્થીઓ ઑનલાઈન અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે યુનિવર્સિટીને વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
રેસિડેન્સિયલ હૉસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેવાનું શરૂ કરી શકે છે, પરંતુ રૂમ શેયરિંગ પર રોક રહેશે.
જે વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જણાશે, તો તેમને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા અને સંપર્કમાં આવેલ તમામ વિદ્યાર્થીઓના આઈસોલેશનની વ્યવસ્થા પણ કરવી પડશે.