ગાંધીનગર : ચાલુ વર્ષે ધોરણ.૧૦નું પરિણામ નબળું આવવા ઉપરાંત કોરોના મહામારીના કારણે પ્રવેશ પ્રક્રિયા ઉપર પણ અસર થઈ છે. જેથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ પુરતો ધોરણ.૯થી ૧૨ની શાળામાં વર્ગ ઘટાડાની મર્યાદીત સંખ્યામાં ઘટાડો કરી ફેરફાર કર્યો છે. આજે ૨૧મી ડીસેમ્બરે શિક્ષણ વિભાગે કરેલા ઠરાવ મુજબ શહેરી વિસ્તારમાં વર્ગ શરૂ રાખવા માટે ૨૫ વિદ્યાર્થી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ વિદ્યાર્થીની સંખ્યા નક્કી કરાઈ છે.
આ પહેલા જૂના ઠરાવ મુજબ શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૬ હતી અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ હતી. આ ઠરાવનો અમલ માત્ર વર્ષ-૨૦૨૦-૨૧ પુરતો જ અમલ રહેશે. વર્ગ વધારા માટે શહેરી વિસ્તારમાં ૬૦+૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦+૨૪ વિદ્યાર્થી સંખ્યા ધ્યાને લેવાની રહેશે. શહેરી વિસ્તારમાં ધોરણ.૯થી ૧૨માં પ્રથમ વર્ગ માટે ૩૬ વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે, જેના બદલે હવે ૨૫ સંખ્યાને ધ્યાનમા લેવાની રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ના બદલે ૧૮ સંખ્યા રહેશે.
એક કરતાં વધુ વર્ગો માટે શહેરીમાં ૬૦+૩૬ના બદલે ૪૨+૨૫ અને ગ્રામ્યમાં ૬૦+૨૪ના બદલે ૪૨+૧૮ની વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે. આ સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાના વર્ગો બંધ થશે. વર્ગ ઘટાડાની મર્યાદીત સંખ્યામાં ઘટાડો કરવાથી ગ્રાન્ટેડ હાઈસ્કૂલના ૬૦૦ જેટલા વર્ગો જે બંધ થવાના આરે હતા તેહવે બચી જશે. બીજી તરફ વર્ગ ઘટાડાના કારણે રાજ્યના જે ફાજલ પડે તેમ હતાં તે પૈકી ૯૦૦ શિક્ષકો ફાજલના દાયરામાંથી બહાર આવી જશે.