મુંબઈ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવૂડનાં સૌથી પ્રિય યુગલોમાંનું એક ગણાય છે. જ્યારથી બંનેએ એમનાં સંબંધને સત્તાવાર રૂપ આપ્યું છે ત્યારથી એમનાં લગ્ન અને એમના સંબંધ વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન રણબીર અને આલિયા ખાસ્સો એવો સમય સાથે રહ્યા હતા.
જાણીતા ફિલ્મ પત્રકાર રાજીવ માસંદને આપેલી એક વિડિયો મુલાકાતમાં રણબીરે એ વાતને સમર્થન આપ્યું હતું કે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે ટૂંક સમયમાં જ પોતે લગ્ન કરે એવી તે આશા રાખે છે. જો કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો ન હોત તો અમે બંનેએ ક્યારના લગ્ન કરી લીધા હોત, એમ પણ રણબીરે કહ્યું છે.
આલિયા અને રણબીર પહેલી જ વાર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય, ડિમ્પલ કાપડિયાની પણ ભૂમિકા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ એક ટૂંકો પણ મહત્ત્વનો રોલ હોવાનું કહેવાય છે.