એક કરોડથી વધુ ભારતીયોએ કોરોનાને હરાવ્યો, હાલમાં ૨,૨૮,૦૮૩ એક્ટિવ કેસ…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણનો મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. જેની સામે અત્યાર સુધીમાં ૧,૫૦,૩૩૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ચિંતાની બાબત એ છે કે ૨૪ કલાકમાં નોંધાતા સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૩૪૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૯૫,૨૭૮ થઈ ગઈ છે. દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૬ હજાર ૮૫૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૯,૫૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૨૮,૦૮૩ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૩૩૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૭,૮૪,૦૦,૯૯૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૯,૩૭,૫૯૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાઇરસની વેક્સિન લોકો સુધી પહોંચે તે પહેલાં જ વાઇરસે પાછા પગે જઈ રહ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના ફક્ત ૬૬૫ નવા કેસ આવ્યા છે જેના કારણે આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે ૨૪ કલાક બાદ રાજ્યનો રિકવરી રેટ ૯૪.૮૨ ટકાએ પહોંચી ગયો છે.