બર્લિન : કોરોના વાયરસના વધતાં કેસને જોતાં જર્મનીમાં લોકડાઉનને એપ્રિલ મહિના સુધી લંબાવી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે જર્મનીમાં પરેશાની સતત વધી રહી છે ત્યારે વિશ્વના ઘણા દેશોમાં પાબંધીઓ ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. જર્મનીમાં લોકડાઉન એક મહિના સુધી લંબાવી દેવામાં આવ્યું છે અને સાથે અન્ય પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે. મંગળવારે જર્મનીના ચાન્સેલર અંગેલા મર્કેલે દેશના ૧૬ રાજ્યોના ગવર્નર સાથે ચર્ચા કરી હતી અને તે બાદ ૧૮ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે જર્મનીમાં બ્રિટનના કોરોના વાયરસના વેરિયન્ટના કારણે કહેર જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટના કારણે વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જર્મનીમાં અમેરિકાથી પણ વધારે સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે વાયરસની ત્રીજી લહેર આ દેશમાં જોવા મળી રહી છે. ચાન્સેલર મર્કેલે કહ્યું કે આપણે એક નવી મહામારીનો સામનો કરી રહ્યા છે. આપણાં દેશમાં એક વાયરસનો નવો વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટ વધારે ઘાતક અને લાંબા સમય સુધી સંક્રામક છે. તેથી હવે સમય આવી ગયો છે કે તેજીથી પગલાં ભરવમાં આવે.
નોંધનીય છે કે પહેલીથી પાંચમી એપ્રિલ સુધી કડક પ્રતિબંધો લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. પહેલીથી ત્રીજી એપ્રિલ સુધી દરેક સાર્વજનિક સ્થળોને પણ બંધ કરી દેવામાં આવશે તથા પાંચ દિવસ સુધી મોટા ભાગની દુકાનોને બંધ રાખવાનમાં આવશે.