ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ વેક્સીન સંકટ વચ્ચે એક મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે. તેમાં રશિયાની વેક્સીન સ્પૂતનિક વીની ભારતમાં ઉત્પાદનની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પૂતનિક કોરોના વેક્સીનની ભારતમાં ઉત્પાદનની શરૂઆત કરવાની આ જાહેરાત રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ભારતીય દવા નિર્માતા કંપની પેનેશિયા બાયોટેકે કરી છે. ભારતીય દવા નિર્માતા કંપની પેનેશિયા બાયોટેક દ્વારા તૈયાર સ્પૂતનિક વેક્સીનનો પહેલો પુરવઠો પહેલા રશિયાના સ્પૂતનિક સેન્ટર પર મોકલવામાં આવશે. ત્યાં તેની ક્વાલિટી કંટ્રોલ ચેક થશે.
આ કોરોનાની વેક્સીન હિમાચલ પ્રદેશના બડ્ડીમાં બનાવવામાં આવશે. બધુ સારું રહ્યું તો ઉનાળાના અંતમાં જ વેક્સીનના ઉત્પાદનની પૂરી રીતે શરૂઆત થઈ જશે. એપ્રિલમાં જ આ વાત સામે આવી હતી કે, રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને દવા નિર્માતા કંપની પેનેશિયા બાયોટેક મળીને સ્પૂતનિક કોરોના વેક્સીનનું ભારતમાં ઉત્પાદન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને મળીને વાર્ષિક ૧૦૦ મિલિયન (૧૦ કરોડ) ડોઝ બનાવશે. રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના મુખ્ય કાર્યકારી કિરિલ્લ ડમિત્રિવે કહ્યું હતું કે, પેનેશિયા બાયોટેક સાથે મળીને ભારતમાં ઉત્પાદનની શરૂઆત, દેશને મહામારી સામે લડવમાં મદદની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
તેમણે કહ્યું હતું કે, સ્પૂતનિક-વી વેક્સીન ઉત્પાદનની શરૂઆત થવાથી ભારતને કોરોના વાયરસ મહામારીના સંકટપૂર્ણ સમયમાંથી બહાર કાઢવાના સરકારના પ્રયાસોને સમર્થન મળશે. ત્યારબાદ વેક્સીનને બીજા દેશોમાં નિકાસ પણ કરી શકાશે જેથી દુનિયાના અન્ય દેશોમાં પણ મહામારીના પ્રસારને રોકી શકાય. વેક્સીન ઉત્પાદનની શરૂઆત પર પેનેશિયા બાયોટેકના મેનેજમેન્ટ ડાયરેક્ટર રાજેશ જૈને કહ્યું હતું કે, સ્પૂતનિક-વીના ઉત્પાદનની શરૂઆત એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે મળીને અમે આશા રાખીએ છીએ કે, દેશના લોકો ફરીથી સામાન્ય સ્થિતિનો અનુભવ કરી શકશે, સાથે જ દુનિયાના દેશોમાં પણ સ્થિતિ સામાન્ય કરવામાં મદદ મળશે. કોવિશિલ્ડ અને કોવેક્સીન બાદ સ્પૂતનિકને પણ ભારતમાં ઉપયોગ કરવાની ઇમરજન્સી મંજૂરી મળી ચૂકી છે. આ મંજૂરી ૧૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ આપવામાં આવી હતી. હાલમાં ડૉક્ટર રેડ્ડી લેબ્સ દેશની કેટલીક જગ્યાઓ પર સ્પૂતનિક વેક્સીન લગાવી રહી છે.