પુરુષોને જાગૃત કરવા જરુરી : રેણુ દેવી
પટણા : બિહારમાં જનસંખ્યા નિયંત્રણને લઈ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી વચ્ચે વિવાદ જાગ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવવાની વકીલાત કરવાને લઈ સોમવારે જ્યારે નીતિશ કુમારને સવાલ પુછવામાં આવ્યો તો તેમણએ જનસંખ્યા નિયંત્રણ માટે મહિલાઓ શિક્ષિત હોય તે વધુ જરૂરી છે તેવો જવાબ આપ્યો હતો.
નીતિશ કુમારે કહ્યું હતું કે, જો મહિલાઓ ભણેલી ગણેલી હશે તો તેમનામાં જાગૃત્તિ વધારે હશે અને પ્રજનન દર પોતાની જાતે જ ઘટશે. જોકે તેમની જ સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રેણુ દેવી નીતિશ કુમારના આ વિચાર સાથે સહમત નથી કે ફક્ત મહિલાઓના શિક્ષિત હોવાથી જ જનસંખ્યા નિયંત્રણ સંભવ છે.
રેણુ દેવીએ એક લેખિત નિવેદન જાહેર કરીને કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ માટે પુરૂષોને જાગૃત્ત કરવા વધુ જરૂરી છે. રેણુ દેવીએ કહ્યું હતું કે, જનસંખ્યા નિયંત્રણ માટે મહિલાઓ કરતા પુરૂષોને જાગૃત્ત કરવાની વધારે જરૂર છે. તેમણે જણાવ્યું કે, પુરૂષોમાં જનસંખ્યા નિયંત્રણ માટે નસબંદીને લઈ પણ ભારે ડરની સ્થિતિ છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બિહારના અનેક જિલ્લાઓમાં તો નસબંદીનો દર માત્ર એક ટકા છે. વધુમાં જણાવ્યું કે, મોટા ભાગે એવું જોવામાં આવે છે કે, દીકરાની આશાએ પતિ અને સાસરિયાઓ મહિલા પર વધુ બાળકો પેદા કરવાનું દબાણ બનાવે છે જેથી પરિવારનું કદ વધે છે. તેમના મતે જનસંખ્યા નિયંત્રણ માટે પુરૂષો અને મહિલાઓમાં ભેદભાવ સમાપ્ત કરવાની જરૂર છે.
Other News : પૂર્વોત્તરના રાજ્યોમાં હિલ સ્ટેશનો પર વધતી લોકોની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ